GSTના મહિલા અધિકારીનું પર્સ અને સાસુની સોનાની ચેનની લૂંટ
બે ગઠિયાઓ રિઝર્વેશન કોચમાં ચડયા અને સાસુ-વહુનો કિંમતી સામાન લૂંટી ફરાર
વડોદરા, તા.27 વડોદરા ડી કેબીન પાસે ટ્રેન ઊભી રહેતાં જ બે ગઠિયાઓ ટ્રેનમાં ચડયા હતા અને જીએસટીના મહિલા અધિકારીનું પર્સ તેમજ સાસુના ગળામાં પહેરેલી સોનાની ચેન આંચકી ચાલુ ટ્રેનમાંથી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના ઉનાવા ખાતે રીશીનગર સુકલા કેંટ ખાતે રહેતા સોનલ હરીશંકર પાંડે જીએસટીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તા.૨૫ના રોજ બપોરે તેઓ ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પરિવારના સભ્યો સાથે બેસી દ્વારકા રેલવે સ્ટેશનથી કાનપુર જવા માટે નીકળ્યા હતાં.
તા.૨૬ના રોજ મોડી રાત્રે એક વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનની નજીક ડી કેબીન પાસે આવીને રહી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો કોચમાં અચાનક ચડયા હતા અને સોનલ પાંડે પાસેનું કાળા રંગનું પર્સ તેમજ તેમના સાસુએ ગળામાં પહેરેલ સોનાની ચેન આંચકી બંને ગઠિયાઓ ટ્રેનમાંથી ઉતરી વીજળીક ગતિએ ફરાર થઇ ગયા હતાં. સોનાની ચેન, રોકડ મળી કુલ રૃા.૭૨ હજારની મત્તાની ચોરી અંગેની ફરિયાદ સોનલ પાંડેએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.