વડોદરા ખાતે સેન્ટ્રલ યુનિ.માં જૂલાઈ મહિનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ શરુ થશે
વડોદરાઃ વડોદરાથી ડભોઈ જવાના રોડ પર કુંઢેલા પાસે બની રહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષણ કાર્ય શરુ થવાની શક્યતાઓ છે.હાલમાં ગાંધીનગર ખાતે કાર્યરત સેન્ટ્રલ યુનિવર્સિટીનુ સ્થળાંતર શરુ કરી દેવામાં આવ્યુ છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સરકારે કુંઢેલા ખાતે ફાળવેલી ૭૦૦ એકર જેટલી જમીનમાં યુનિવર્સિટીના બાંધકામની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે.યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટીનો એકેડમિક બ્લોક કે જ્યાં વિદ્યાર્થીઓના લેકચર લેવાશે તે બિલ્ડિંગનુ બાંધકા ૯૫ ટકા પૂરુ થઈ ગયુ છે.૩૦ જૂન સુધીમાં આ બ્લોક સંપૂર્ણપણે તૈયાર હશે.આ જ રીતે વિદ્યાર્થીઓેને રહેવા માટેની હોસ્ટેલનુ ૭૫ ટકા બાંધકામ થઈ ગયુ છે.હોસ્ટેલના ૮ બ્લોક પૈકી ૬ બ્લોક બનીને તૈયાર છે.બાકીના બે બ્લોકનુ કામ ૨૫ જુલાઈ સુધીમાં પૂરુ થઈ જવાનો અંદાજ છે.એડમિનિસ્ટ્રેટિવ બ્લોકનુ બાંધકામ પણ બે મહિનામાં પૂરુ થઈ જશે.લેબોરેટરીઓ તૈયાર થઈ ગઈ છે .જ્યારે લાઈબ્રેરીનુ બિલ્ડિંગ ૨૫ જૂન સુધીમાં બની જશે.કેમ્પસ બ્યુટિફિકેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.માત્ર અધ્યાપકોને રહેવા માટેના ક્વાર્ટસ બનીને આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.ત્યાં સુધી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૧૩૩ અધ્યાપકો અને ૧૦૪ વહિવટી અધિકારીઓ તેમજ કર્મચારીઓ વડોદરામાં ભાડે રહેશે.
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભણતા ૧૦૦૦ વિદ્યાર્થીઓને પણ નવા શૈક્ષણિક વર્ષથી વડોદરામાં ભણાવવામાં આવશે તેવી જાણકારી આપી દેવામાં આવી છે.નવા શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી પણ વડોદરાના કેમ્પસમાંથી જ કરવામાં આવે તેવી શક્યતા છે.
યુનિવર્સિટી સાથે સંકળાયેલા અધિકારીઓનો દાવો છે કે, ત્રણ મહિનામાં યુનિવર્સિટીના સ્થળાંતરની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે.આ સમયગાળા દરમિયાન વડોદરા કેમ્પસ અને ગાંધીનગર કેમ્પસમાં એમ બંને જગ્યાએથી જરુરી વહિવટી કામગીરી થશે.અત્યારે ગાંધીનગર ખાતે જે ઈમારતોમાં યુનિવર્સિટી ચાલે છે તે ઈમારતો સરકારે પાસેથી ભાડે લેવામાં આવી છે.યુનિવર્સિટી વડોદરા ખાતે કાર્યરત થવાથી આ નાણાકીય ભારણ પણ ઓછુ થઈ જશે. યુનિવર્સિટીનુ વીજ જોડાણ મેળવવાની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે.વાઈસ ચાન્સેલરના હાથે તા.૧૧ જુનના રોજ વીજ પુરવઠો શરુ કરવા માટેની સ્વીચ ઓન કરવામાં આવશે.
વડોદરામાં યુનિ.કાર્યરત થયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૦૦ થશે
સેન્ટ્રલ યુનિવસટીમાં હાલમાં ૪૬ જેટલા કોર્સ ચાલે છે અને આ પૈકીના મોટાભાગના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે.અલગ અલગ કોર્સ માટે ૧૫ ફેકલ્ટીઓ છે.જેને સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે.જેમાં સ્કૂલ ઓફ એજયુકેશન, સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ, સ્કૂલ ઓફ ઈન્ટરનેશન સ્ટડીઝ, સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ, સ્કૂલ ઓફ લાઈબ્રેરી ઈન્ફર્મેશન, સ્કૂલ ઓફ લેન્ગવેજ એન્ડ લિટરેચર, સ્કૂલ ઓફ કલ્ચરલ સ્ટડીઝ, સ્કૂલ ઓફ એપ્લાઈટ મટિરિયલ સાયન્સ, સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ, સ્કૂલ ઓફ એનવાર્યમેન્ટ, સ્કૂલ ઓફ નેનો સાયન્સ, સ્કૂલ ઓફ લાઈફ સાયન્સ, સ્કૂલ ઓફ ફાર્મસી અને સ્કૂલ ઓફ ડાયસપોરાનો સમાવેશ થાય છે.યુનિવસટી સત્તાીસોનુ કહેવુ છે કે, હાલમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ વડોદરામાં યુનિવસટી કાર્યરત થયા બાદ ૨૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની યોજના છે.
સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ઓડિટોરિયમ બનાવવા ૩૦૦ કરોડની માંગણી
ઈન્ડોર ગેમ્સ માટે યુનિવર્સિટીમાં એક અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા ઓડિટોરિયમ બનાવવાની પણ યોજના છે.પહેલેથી મંજૂર થયેલા હોસ્ટેલ કેમ્પસનુ પણ ભવિષ્યમાં વિસ્તરણ કરાશે અને આ માટે યુનિવર્સિટી સત્તાધીશોએ સરકાર પાસે વધારાના ૩૦૦ કરોડ રુપિયાની માંગણી કરી છે.
બે તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે
કેમ્પસમાં બે તળાવો બનવાના છે.જેમાં વરસાદના પાણીનો સંગ્રહ થશે.આ તળાવોનુ ખોદકામ પુરુ થઈ ગયુ છે.ચોમાસામાં તળાવો ભરાયા બાદ આસપાસ બ્યુટિફિકેશન શરુ કરાશે.આ જ રીતે સોલર પેનલો લગાવીને ઈલેક્ટ્રિસિટી જનરેશન પણ કરાશે.યુનિવર્સિટીને ગ્રીન કેમ્પસનો દરજ્જો મળશે.
૭૫૦ કરોડનો ખર્ચ થઈ ચૂકયો છે
જૂન, ૨૦૨૨માં પીએમ મોદીના હસ્તે યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.સરકારે યુનિવર્સિટી માટે ૧૦૦ એકર જમીન ફાળવી છે.યુનિવર્સિટી બનાવવા માટે ૭૫૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં યુનિવર્સિટી કેમ્પસ લગભગ બનીને તૈયાર થઈ ગયુ છે.