બોર્ડ પરીક્ષાના સીસીટીવી રેકોર્ડિંગની 5000 ઉપરાંત સીડી જોવાનું શરુ
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની હાલમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓમાં સીસીટીવી દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.પરીક્ષાની સાથે સાથે સીસીટીવી રેકોર્ડિંગની સીડીઓ ચેક કરવાની કામગીરી પણ વડોદરામાં ડીઈઓ કચેરી દ્વારા શરુ કરી દેવામાં આવી છે.
સ્કૂલોએ રોજે રોજ પરીક્ષા બાદ સીસીટીવી રેકોર્ડિંગની સીડીઓ ડીઈઓ કચેરીને મોકલી આપવાની હોય છે.પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે દરેક સીડી જોવામાં આવે છે.દર વર્ષે ડીઈઓ કચેરી સંકુલમાં આવેલા જિલ્લા શિક્ષણ તાલિમ ભવનની કોમ્પ્યુટર લેબમાં સીડી જોવાની કામગીરી થતી હોય છે પણ અહીંના કોમ્પ્યુટરો જૂના થઈ ગયા હોવાથી તેને બદલી નાંખવાના હોવાથી આ વખતે સાવલી નજીક મંજૂસર જીઆઈડીસીામં નવી બનેલી સરકારી સ્કૂલની અદ્યતન લેબોરેટરીમાં સીડી જોવાની કામગીરી તા.૧૩ માર્ચથી શરુ કરી દેવાઈ છે.આ કાર્યવાહી સવારે અને બપોરે એમ બે શિફટમાં ચાલી રહી છે.સીડી જોવા માટે ૨૦-૨૦ શિક્ષકોની બે ટીમો બનાવવામાં આવી છે.સૂત્રોનુ કહેવુ છે કે, રોજ ૪૦૦ થી ૫૦૦ સીડીઓ જોવામાં આવી રહી છે અને લગભગ ૧૦ દિવસ સુધી આ કામગીરી ચાલશે.લગભગ ૫૦૦૦ કરતા વધારે સીડીઓની ચકાસણી કરવામાં આવશે અને આ દરમિયાનમાં જો કોઈ વિદ્યાર્થીની શંકાસ્પદ હિલચાલ લાગશે તો તેવા વિદ્યાર્થીઓને ડીઈઓ કચેરીમાં બોલાવીને સુનાવણી કરવામાં આવશે અને તેઓ ગેરરીતિ કરતા હતા તેવુ સાબિત થશે તો આગળની કાર્યવાહી માટે બોર્ડને જાણ કરવામાં આવશે.