Get The App

આજવા ઝૂ આસપાસ દીપડા ફરતા હોવાથી સીસીટીવી કેમેરા મૂકવા પડયા

અગાઉ દીપડાના હુમલાથી ઝૂના બે હરણના મરણ થયા હતા : દીપડા પકડવા પાંજરા મૂકાયા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
આજવા ઝૂ આસપાસ દીપડા ફરતા હોવાથી સીસીટીવી કેમેરા મૂકવા પડયા 1 - image

વડોદરા,વડોદરા શહેરની નજીક વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના આજવા ઝૂની આજુબાજુ દીપડા આવતા તેમજ દીપડા દ્વારા પ્રાણીઓ પર હુમલાના બનાવ બન્યા બાદ આજવા ઝૂ ખાતે સીસીટીવી કેમેરા રૃા.૧૧.૬૭ લાખના ખર્ચે તાત્કાલિક મુકવા પડયા છે. તાકીદની આ કામગીરી જીપીએમસી કલમ ૬૭/૩/સી મુજબ કરવામાં આવી છે.

આજવા સફારી પાર્ક ખાતે રાખવામાં વિવિધ પ્રજાતિના હરણો પર દીપડા દ્વારા હુમલો કરવાના બનાવ અગાઉ બન્યા છે. જેમાં બે હરણ (એક હોગ ડીયર અને એક કાળિયાર)ના મરણ થયેલા છે. સફારી પાર્કની નજીકમાં ગામડાઓમાં પણ દીપડાની ચહલપહલ જોવા મળેલ છે. જેની ખાતરી વન વિભાગ દ્વારા કરવામાં આવેલ હતી. આજવામાં થીમ પાર્કમાં પણ દીપડો ફરતો હોવાના વિડીયો સીસીટીવીમાં ધ્યાને આવેલ છે. સંપૂર્ણ ઘટના અંગે ઝૂ ક્યુરેટર દ્વારા તાત્કાલિક એકશન ટેકન રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરેલ હતો. જેથી તેમણે આજવા સફારી પાર્ક ખાતે તાત્કાલિક સીસીટીવી લગાડવા મૌખિક સૂચના આપેલ હતી. એ પછી જરૃરી પ્રક્રિયા હાથ ધરી સીસીટીવીની કામગીરી કરાઇ છે. દીપડો એ લુચ્ચું પ્રાણી છે, અને જલ્દી હાથમાં આવતું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશને આજવા સફારી પાર્ક આસપાસ દીપડા ફરી રહ્યા હોવાનું નોંધ્યું છે. જો કે આજવા નિમેટા વિસ્તારમાં દીપડા વર્ષોથી ફરતા રહ્યા છે. સફારી પાર્કમાં હરણ અને કાળિયારના પાંજરા આસપાસ દીપડા આવતા દીપડાના હુમલાથી બચવા માટે ખાસ તો શાકાહારી પ્રાણીઓના જે પાંજરા છે તેની આસપાસ ઉગી નીકળેલા ઝાડીઝાંખરા અને ઘાસ દૂર કરવામાં આવ્યા છે, જેથી તે સંતાઇ ન શકે. કોર્પોરેશને વન વિભાગ સાથે પણ સંકલન સાધ્યું છે. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં ત્રણેક દીપડા ફરે છે. દીપડા જે વિસ્તારમાં ફરતા હોય છે ત્યાં તેને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે, પરંતુ હજુ પકડાયા નથી. ચોમાસુ શરૃ થઇ ગયા બાદ દીપડા ફરતા હોવાની કોઇ વાત બહાર આવી ન હતી, પરંતુ થોડા દિવસ અગાઉ દીપડો ફરી દેખાયો હોવાનું જણાયું હતું. હજુ પાંજરા ત્યાં રાખી મુકવામાં આવ્યા છે, પણ દીપડો તેની આસપાસ પણ ફરકતો નથી. સફારીપાર્કના કર્મચારીઓએ લીધેલા ફોટોગ્રાફ સર્વિલન્સ ફુટેજ અને પગ ચિહ્નો જોતા દીપડાની હાજરી વર્તાઇ રહી છે. કોર્પોરેશને સીસીટીવી કેમેરા મુકતા તેના ફુટેજના આધારે દીપડાને ટ્રેક કરી શકાશે તેને પકડવા પાંજરૃં પણ એ રીતે ગોઠવી શકાશે. હાલ સફારીપાર્કમાં ૧૫૦ ટપકાવાળા હરણ, ૪૦ કાળિયાર, ૨૫ હોગ ડિયર, ૩ ચિંકારા અને ૧ ચૌિંસંગા છે.


Google NewsGoogle News