એમ.એસ.યુનિ.ના મુખ્ય કેમ્પસમાં સીસીટીવી કેમેરાની કફોડી હાલત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી સિક્યુરિટીએ ચાર્જ સંભાળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા માત્ર હેડ ઓફિસ પૂરતી જ સિમિત થઈ હોય તેવુ લાગી રહ્યુ છે.
યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં તો અગાઉની સરખામણીએ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે.એટલુ જ નહીં આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની આસપાસમાં કેટલાક સીસીટીવી કેમેરા પણ કફોડી હાલતમાં છે.કેટલાક કેમેરા તો ચાલતા પણ નથી.કેટલાક કેમેરા તુટી જઈને વાયર પર લટકી પડેલા છે તો કેટલાક કેમેરાનો એંગલ જમીન પરનો છે.
છેલ્લા કેટલાય સમયથી સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન હોવાની જાણકારી સત્તાધીશોને પણ છે.આમ છતા આ કેમેરાના સમારકામ પર કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી.જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે.કારણકે કેમ્પસમાં છાશવારે સુરક્ષા જોખમમાં મુકાય તેવા બનાવો બનતા રહે છે.જો કેમેરા ચાલુ હોય તો તેના ફૂટેજના આધારે આરોપીઓના સગડ પણ મળી શકે છે.જોકે યુનિવર્સિટીની સિક્યુરિટી અને વિજિલન્સને માત્ર હેડ ઓફિસની સુરક્ષા અને પાર્કિંગમાં જ રસ હોય તેમ લાગી રહયુ છે.
યુનિવર્સિટી સત્તાધીશોએ આ કેમેરાની જગ્યાએ નવા કેમેરા લગાવવાનુ નકકી તો કર્યુ છે પણ આ કેમેરા ખરીદવાનો પ્રસ્તાવ પણ હાલના તબક્કે તો ધૂળ ખાઈ રહ્યો છે.આ પ્રસ્તાવ મંજૂર ના થાય ત્યાં સુધી બગડેલા અથવા લટકી પડેલા કેમેરા ફરી કાર્યરત કરવામાં આવે તેવુ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.