ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડ, સીબીઆઈ ગુજરાતના ૬ વિદ્યાર્થીઓનુ નિવેદન લીધું
વડોદરાઃ ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં ગોધરાના સેન્ટર પર ચોરી કરાવવાના કૌભાંડની તપાસનો દોર સીબીઆઈના અધિકારીઓએ પોતાના હાથમાં લીધો છે.ચાર દિવસથી ગોધરામાં ધામા નાખનાર સીબીઆઈની ટીમે આજે આરોપીઓ પાસેથી મળેલા ૧૬ પરીક્ષાર્થીઓના લિસ્ટમાં સામેલ ગુજરાતના પરીક્ષાર્થીઓ તેમજ તેમના વાલીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના ૬ પરીક્ષાર્થીઓને ગોધરાના સરકિટ હાઉસ ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા.
ગોધરાના પરવડી ખાતે આવેલા જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષાનુ કેન્દ્ર ફાળવવામાં આવ્યુ હતુ અને તેમાં પરીક્ષાર્થીઓ પાસેથી તગડી રકમ વસૂલીને ચોરી કરાવવાનુ કૌભાંડ બહાર આવતા આખા દેશમાં ચકચાર મચી ગઈ હતી અને એ પછી નીટ પરીક્ષા પર સવાલો ઉભા કરતા બીજા પણ કૌભાંડો સામે આવ્યા હતા.તંત્રની સતર્કતાથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે પણ અત્યાર સુધીની તપાસમાં પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
જોકે હવે દેશભરમાં નીટ પરીક્ષાના પેપર લીક અને ચોરી પ્રકરણની તપાસ સીબીઆઈ કરી રહી છે ત્યારે સીબીઆઈને સ્થાનિક પોલીસ પાસેથી પરીક્ષામાં ચોરી કરવા માટે સંમત થયેલા ૧૬ વિદ્યાર્થીઓનુ લિસ્ટ મળ્યુ હતુ.આ પૈકીના ૬ વિદ્યાર્થીઓના નિવેદન આજે સીબીઆઈના અધિકારીઓએ નોંધ્યા હતા.દરમિયાન સીબીઆઈ દ્વારા પંચમહાલ પોલીસના હાથે ઝડપાયેલા પાંચ પૈકી ચાર આરોપીઓના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.હાલમાં પાંચે આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે સીબીઆઈનીટીમના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ પુષ્પલ પોલ દ્વારા તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરષોત્તમ શર્મા અને વિભોર આનંદના ચાર દિવસના રિમાન્ડની માંગણી કરતી અરજી કોર્ટમાં કરવામાં આવી છે.જેની સ ુનાવણી તા.૨૮, શુક્રવારે હાથ ધરાશે.
ચાર આરોપીઓનો ચોરી પ્રકરણમાં શું રોલ હતો?
ચાર આરોપીઓ પૈકી તુષાર ભટ્ટ ગોધરાના નીટ પરીક્ષાના સેન્ટર ખાતે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતો હતો.જેની પોલીસે તા.૧૨ મેના રોજ ધરપકડ કરી હતી.તપાસ અધિકારીએ તેના ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.તા.૨૨ મેથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આરીફ નૂર મહોમમદ વોરાએ પરીક્ષા ચોરી પ્રકરણમાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી અને તેની પણ પોલીસે તા.૧૨ મેના રોજ ધરપકડ કરી હતી.પોલીસે તેના પણ ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પુરષોત્તમ શર્મા ગોધરાના નીટ પરીક્ષાના સેન્ટર ખાતે સિટી કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતો હતો અને પોલીસે તેની તા.૨૦ મેના રોજ ધરપકડ કરી હતી.તપાસ અધિકારીને તેના ચાર દિવસના રિમાન્ડ મળ્યા હતા.તે તા.૨૩ મેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
વિભોર આનંદ ઉમેશ્વર પ્રસાદ ચોરી પ્રકરણમાં વચેટિયો હતો અને પોલીસે તા.૧૯ મેના રોજ તેની ધરપકડ કરી હતી.કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો.તા .૨૩ મેથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
બીજા રાજ્યોના વિદ્યાર્થીઓેને ગોધરા કેન્દ્ર પસંદ કરવાની સલાહ આપી
સીબીઆઈએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરેલી રિમાન્ડ અરજીના પેરા ૩માં ઉલ્લેખ કર્યો છે કે, નીટના ગોધરા અને પડાલ કેન્દ્રો પર આરોપીઓનુ નિયંત્રણ હતુ.આરોપીઓએ બીજા રાજ્યોના નીટ પરીક્ષાર્થીઓને ગોધરા કેન્દ્ર પસંદ કરવાની સલાહ આપી હતી.આરોપીઓની સલાહ પ્રમાણે બહારના રાજ્યોના વિદ્યાર્થીઓએ પરીક્ષાની ભાષા તરીકે ગુજરાતી પસંદ કરી હતી.
જય જલારામ સ્કૂલના સંચાલકનું પણ નિવેદન લેવાયું
નીટ ચોરી પ્રકરણની તપાસ કી રહેલા સીબીઆઈના અધિકારીઓએ જય જલારામ સ્કૂલના સંચાલકને પણ નિવેદન માટે સર્કિટ હાઉસ બોલાવ્યા હતા.જ્યાં બંધ બારણે સંચાલકનુ નિવેદન લેવામાં આવ્યુ હતુ.જય જલારામ સ્કૂલના સંચાલકની પૂછપરછમાંથી શું નવો ફણગો ફૂટે છે તે જોવાનુ રહે છે.આ સ્કૂલમાં નીટની પરીક્ષા લેવામાં આવી હતી.