નીટ પ્રકરણની હજી ચાલતી તપાસ ગોધરામાં CBI અધિકારીના ધામા પોસ્ટ, બેંક સહિતના સ્થળોએ તપાસ
સીબીઆઇના અધિકારીએ કલેક્ટર કચેરીની પણ મુલાકાત લીધી
ગોધરા તા.૩૧ બહુચચત નીટ ચોરી પ્રકરણની તપાસ કરતા સીબીઆઇ ટીમના એક અધિકારી પુનઃ આજે સાંજે ગોધરા આવ્યા છે. તેમણે ગોધરા ખાતે આવેલી પોસ્ટ ઓફિસ, કલેક્ટર કચેરી અને એક બેંકની મુલાકાત લીધી હતી. થોડાક દિવસો અગાઉ પણ સીબીઆઇના અધિકારીઓએ ગોધરા પોસ્ટ ઓફિસ સહિત ગોધરામાં કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી.
નીટ પ્રકરણને લઈને તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્હીથી આવેલા સીબીઆઇના એક અધિકારી દ્વારા ગોધરાની પુનઃ મુલાકાત લેવામાં આવી છે. આ અધિકારીએ ગોધરાની એક બેન્ક સહિત પોસ્ટ વિભાગની મુલાકાત લીધી હતી. તેમજ ગોધરા કલેક્ટર કચેરી ખાતે મુલાકાત લીધી હતી. સીબીઆઇ અધિકારીની આ મુલાકાતમાં કઈ નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ દ્વારા નીટ પ્રકરણમાં પાંચ આરોપી સહિત જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી સીબીઆઇ કોર્ટની કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. દીક્ષિત પટેલે તાજેતરમાં જ સીબીઆઇ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી છે. જેની આગામી દિવસોમાં સુનાવણી થવાની છે.