GACLના ચેરમેનના નામે ઠગતો ગઠિયો ઝડપાયો, જુદા જુદા નામે 50 લાખની છેતરપિંડી કરી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
GACLના ચેરમેનના નામે ઠગતો ગઠિયો ઝડપાયો, જુદા જુદા નામે 50 લાખની છેતરપિંડી કરી 1 - image

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરામાં જીએસીએલ કંપનીના ડીલરોને ચેરમેનના નામે વાત કરી રૂપિયાની ઉઘરાણી કરતા ઝઘડિયાના ગઠિયાને વડોદરા પોલીસે ઝડપી પાડયો છે. પૂછપરછ દરમિયાન ઠગે આવી રીતે જુદી જુદી કંપનીઓના એમડી ચેરમેન તરીકે ઓળખાણ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મારા સંબંધીને એક્સિડન્ટ થયો છે તેમ કહી રૂપિયાની માંગણી કરતો હતો

તાજેતરમાં વડોદરામાં જીએસસીએલ કંપનીની ડીલરશીપ ધરાવતા વેપારીઓને ચેરમેન હસમુખ અઢિયાના નામે ફોન આવતા હતા અને મારા સંબંધીને એક્સિડન્ટ થયો છે, તાત્કાલિક રૂપિયાની જરૂર છે, મોકલી આપો પછી હું તમને પરત કરી દઈશ... તેમ કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. મોટાભાગના ડીલરોએ રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ભદ્રેશ પટેલ નામના એક ડીલરે રૂ.98 હજાર ચૂકવ્યા હતા.

મોબાઈલ સર્વેન્સના આધારે પોલીસે મોરબીના ઠગને દબોચી લીધો

ઉપરોક્ત બનાવો અંગે જવાહર નગર પોલીસે જી.એ.સી.એલ કંપનીના માર્કેટિંગ મેનેજરની ફરિયાદને આધારે ગુનો નોધી વડોદરા સાયબર સેલની મદદ વડે ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તેના મોબાઈલ નંબર ચેક કરતા એક નંબર નવસારીના મની ટ્રાન્સફર કરતા વેપારીનો નીકળ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ સીમકાર્ડ ને આધારે રઘુવીરસિંહ ઉર્ફે મુન્નો બળવંતસિંહ ચૌહાણ (રહે રાજ પારડી તા.ઝગડીયા, જી ભરૂચ) ને દબોચી લીધો હતો. પોલીસ સમક્ષ તેણે ગુનાની કબુલાત કરી હતી.

ગૂગલ સર્ચનો ઉપયોગ કરતો હતો, ફેક આઈડી તૈયાર કરતો હતો

પોલીસની પૂછપરછ દરમિયાન રઘુવીર સિંહ ચૌહાણ એ કબૂલ્યું હતું કે તે ગૂગલ સર્ચ કરી મોટી કંપનીઓના એમડી અને ચેરમેનની વિગતો મેળવતો હતો. ત્યારબાદ તેમના નામના ઇમેલ આઇડી બનાવતો હતો તેમજ ટ્રુકોલરમાં પણ આ અધિકારીનું નામ દેખાય તે રીતે ખેલ કરતો હતો. વોટ્સએપ ઉપર પણ અધિકારીના ફોટા મૂકી દેતો હતો. જેને કારણે કોલ લેનાર વ્યક્તિ ક્રોસ ચેક કરે તો તેને શંકા ન પડે.

અનેક રાજ્યોમાં લોકોને ઠગ્યા, દસ વર્ષમાં 50 લાખ કમાયો

પોલીસે આરોપીને નેટવર્ક વિશે પૂછતા તેણે ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી હરિયાણા સહિતના રાજ્યોમાં આવી રીતે લોકોને ઠગ્યા હોવાની વિગતો કબૂલ હતી. મોટાભાગે તે બીજાના નામના સીમકાર્ડ તેમજ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે QR કોડનો ઉપયોગ કરી મની ટ્રાન્સફર કરતા વેપારીની મદદ લેતો હતો. મની ટ્રાન્સફર કરતા વેપારીને બે થી ત્રણ હજાર રૂપિયા આપી દેતો હતો. દસ વર્ષના ગાળામાં તેણે 50 લાખ રૂપિયા સુધીની ઉઘરાણી કરી હોવાની કબુલાત કરી છે.

પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર અને ઇન્ડિયન આર્મી ના નામે પણ લોકોને ઠગ્યા

ઠગે કબૂલ્યું હતું કે તેણે અંજારના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીરના નામે પણ અનેક લોકોને છેતર્યા છે. જ્યારે ઇન્ડિયન આર્મીના નામે પણ લોકો સાથે છેતરપિંડી કરી છે. ટાઇલ્સની કંપનીઓ તેમજ અન્ય કંપનીઓના ડીલરો તેમજ ડિસ્ટ્રીબ્યુટર્સના નામો અને નંબર ઓનલાઈન સર્ચ કરીને મેળવતો હતો.

ઠગ પાસે 3 મોબાઈલ 21 સીમકાર્ડ સહિતની ચીજો કબજે 

વડોદરા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ઝડપી પાડેલા ગઠિયા પાસેથી ત્રણ મોબાઈલ તેમજ 21 સીમકાર્ડ મળી આવ્યા છે. આ ઉપરાંત એક્સિસ બેન્ક અને કોટક મહેન્દ્ર બેન્કના એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે. તેની પાસેથી રોકડા રૂ.22050 તેમજ આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મળી આવ્યા છે.


Google NewsGoogle News