વડોદરામાં વાઘોડિયા રોડ પર ઢોર પાર્ટીના સ્ટાફ ઉપર હુમલો
- વાઘોડિયા રોડની ચંદ્રનગર સોસાયટી પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા ગયેલા સ્ટાફ પર પશુ માલિકોએ હુમલો કરતાં પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર
વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગઈકાલે રાત્રે 9:00 વાગે શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યો હતો તે દરમિયાન રાત્રે 10:15 વાગ્યે સ્ટાફ વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી ખાતે પહોંચ્યો હતો. ત્યાં પાંચ થી છ ગાય જાહેર રોડ પર રખડતી હતી. જેથી સ્ટાફે એક કાળા અને સફેદ કલરની ગાયને કોર્ડન કરી ગળામાં દોરડું નાખી પકડી લીધી હતી. તે દરમિયાન ગાયના માલિકો ત્યાં ભેગા થઈ ગયા હતા. એક બાઈક ચાલક જેને કથ્થઈ કલરની ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું હતું તે ગાયને છોડાવવા માટે ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો અને અન્ય બે વ્યક્તિઓ પણ ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે પૈકી સ્ટાફના વિકાસ કહારને માથાના પાછળના ભાગે થપ્પડો મારી ઇજા પહોંચાડી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં ઢોર પાર્ટીના સ્ટાફે ફોન કરતા પોલીસની ગાડીઓ આવતા પશુ માલિકો સ્થળ પરથી ભાગી ગયા હતા.