વડોદરામાં રોંગ સાઈડ આવતી કાર બાઈક સાથે અથડાતા મારામારી
image : Freepik
- બરોડા ઓટોમોબાઇલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતના પગલે મારા મારી થતા બંને ચાલકોએ સામસામે ફરિયાદ નોંધાવી છે
વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર
મૂળ પંચમહાલના કણજી પાણી ગામે રહેતો અને હાલ ડભોઈ રોડ રતનપુર પાસે અક્ષર સિટીમાં રહેતો જીગ્નેશ દિનેશભાઈ બારીયા રતનપુર ખાતે એકતા ફાઉન્ડેશનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઈકાલે સંસ્થાના ડાયરેક્ટર એકતાબેન કોટકે તેને ફોન કરીને સયાજી બાગ ખાતે વૃક્ષના રોપા ભરવા માટે ગાડી લઈને બોલાવ્યો હતો. જેથી જીગ્નેશ ગાડી લઈને ગયો હતો. તેની સાથે સંસ્થાના કેરટેકર ભાવનાબેન નાયકા પણ હતા જેલ રોડથી કમાટીબાગ તરફ જતા રસ્તો જોયો ન હોવાથી તેઓ ભૂલા પડી ગયા હતા અને ત્યારબાદ કાલાઘોડા સર્કલથી યુટર્ન લઈને પરત બરોડા ઓટો મોબાઇલ ત્રણ રસ્તા પંચમુખી હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા. જીગ્નેશએ પોલીસને જણાવ્યું હતું કે, તે દરમિયાન એક બાઈક સવાર અમારી કારની આગળ આવી ગયો હતો તે નીચે પડી જતા તેને ઊઠીને મારા પર હુમલો કરી મારું ગળું પકડી લઈ મને મારવા લાગ્યો હતો. ભાવનાબેનએ તેને મારવાની ના પાડતા તેને ભાવનાબેનના હાથ પર પણ થપ્પડો મારી દીધી હતી. દરમિયાન લોકો ભેગા થઈ જતા આ બાઈક ચાલકને દૂર કર્યો હતો દરમિયાન પોલીસ આવી ગઈ હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાઈક ચાલક કૃનાલસિંઘ ગુરુ બચ્ચન સિંઘ આહુજા (રહે. રુકમણી નગર સોસાયટી અભિલાષા રસ્તા) ની સામે રાવપુરા પોલીસે ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ આધારે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે સામા પક્ષએ કુણાલ સિંઘે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા ઘરેથી નીકળી રાજમહેલ રોડ જતો હતો તે દરમિયાન પંચમુખી હનુમાનજી મંદિર તરફથી રોંગ સાઈડ પર એક કાર આવીને મારી બાઈક સાથે અથડતા હું નીચે પડી ગયો હતો પોલીસે બંને ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.