એમ.એસ.યુનિ.ના અધ્યાપકોના પ્રમોશન માટે ૨૦૧૯થી ઈન્ટરવ્યૂ યોજાયા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કાયમી અધ્યાપકોના પ્રમોશન માટેના કેરિયર એડવાન્સમેન્ટ ઈન્ટરવ્યૂ ૨૦૧૯ પછી થયા નથી અને તેના કારણે લગભગ તમામ કાયમી અધ્યાપકો કોઈને કોઈ પ્રમોશનથી વંચિત છે.કદાચ દેશમાં એક માત્ર એમ.એસ.યુનિવર્સિટી જ એવી છે જેના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
કાયમી અધ્યાપકોને નોકરી શરુ કર્યા બાદ તબક્કાવાર ચાર પ્રમોશન મળતા હોય છે.જેના માટે અધ્યાપકે કેરિયર એડવાન્સમેન્ટ ઈન્ટરવ્યૂ આપવાનો હોય છે.એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યારે ફરજ બજાવતા ૩૫૦ કાયમી અધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ ઈન્ટરવ્યૂ ૨૦૧૯થી યોજાયા નથી.
૨૦૨૨માં મળેલી સેનેટની બેઠક ટાણે અધ્યાપકોએ પ્રમોશન આપવા માટેની માંગ સાથે હેડ ઓફિસ ખાતે ધરણા કર્યા હતા અને તે વખતે સત્તાધીશોએ અધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ ઈન્ટરવ્યૂ ૬ મહિનામાં યોજવાની ખાતરી આપી હતી.એ પછી જેમના પ્રમોશન બાકી છે તેમની પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી.જોકે અરજીઓ મંગાવ્યા બાદ હવે અધ્યાપકો ઈન્ટરવ્યૂ માટે રાહ જ જોતા રહ્યા છે.
એક વરિષ્ઠ અધ્યાપકે આક્રોશ સાથે કહ્યુ હતુ કે, વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ પાસે અટલ બિહારી વાજપેયી પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં પ્રોફેસરની કાયમી નિમણૂંક કરવાનો સમય છે પણ યુનિવર્સિટીમાં કેરિયર એડવાન્સમેન્ટ ઈન્ટરવ્યૂ યોજવાનો સમય નથી.
૨૦૧૯થી ઈન્ટરવ્યૂ થયા નથી અને તેના કારણે કેટલાક અધ્યાપકો તો પ્રમોશનથી વંચિત રહીને નિવૃત્ત થઈ ગયા છે.અત્યારે પણ ૩૦ થી ૪૦ જેટલા અધ્યાપકો એવા છે જેમને કેરિયર એડવાન્સમેન્ટ ઈન્ટરવ્યૂ યોજાય તો પ્રોફેસરનુ પ્રમોશન મળે તેમ છે.જો અધ્યાપકોના પ્રમોશન નહીં થાય તો પ્રોફેસરોની જગ્યાઓ ખાલી રહેશે અને તેની ગંભીર અસર યુનિવર્સિટીના આગામી નેક તેમજ એનઆઈઆરએફ રેન્કિંગ પર પડશે.