ગેસ ડિલિવરી બોયનું કારમાં અપહરણના કેસમાં લક્ષ્મીપુરા પોલીસ કાર શોધી ના શકી,SOG મદદે આવી

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
ગેસ  ડિલિવરી બોયનું કારમાં  અપહરણના કેસમાં લક્ષ્મીપુરા પોલીસ કાર શોધી ના શકી,SOG મદદે આવી 1 - image

વડોદરાઃ ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવા ટેમ્પામાં નીકળેલા ડિલિવરી બોયનું કારમાં અપરહણ કરી ખંડણી વસૂલવાના કેસમાં લક્ષ્મીપુરા પોલીસે ચારમાંથી  બે આરોપીને ઝડપી પાડયા હતા.પરંતુ બીજા બે આરોપી અને અપહરણમાં વપરાયેલી કાર કબજે લેવામાં પોલીસનો પનો ટૂંકો પડયો હતો.

મહાલક્ષ્મી ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીનું  કામ કરતા હરેશ સોલંકી(૩૦)ને પોલીસ તરીકે ઓળખ આપી કીયા સોનેટ કારમાં આવેલા ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું અને  ભાયલી પોલીસ સ્ટેશન પાસે લઇ જઇ કેસ કરવાની ધમકી આપી રૃ.૪૪ હજારની ખંડણી વસૂલી હતી.

આ ગુનામાં લક્ષ્મીપુરા પોલીસે પરેશ ઉર્ફે શીવો વાઘેલા અને રાજુ આહિરેને કલાકોમાં જ ઝડપી પાડયા હતા.પરંતુ અન્ય  બે આરોપીને શોધવા તેમજ અપહરણમાં વપરાયેલી કારનો ભેદ ઉકેલવામાં પોલીસ ઢીલી પડી હતી.બીજીતરફ એસઓજી પોલીસ ને અપહરણમાં વપરાયેલી કાર આજવારોડના કૈલાસ પાર્ટી પ્લોટ સામે પડી હોવાની વિગતો મળતાં વોચ રાખી હતી.

પોલીસે કાર લેવા આવેલા નરેશ હેમુભાઇ વાઘેલા(શિવમ પાર્ક,આજવારોડ)ની પૂછપરછ કરતાં તેણે આ કાર પરેશ વાઘેલાની હોવાનું કબૂલ્યું હતું.જેથી એસઓજીએ કાર કબજે લઇ લક્ષ્મીપુરા પોલીસને સોંપી હતી.


Google NewsGoogle News