વડોદરામાં ફરી એકવાર કારમાં આગ,રેસકોર્સમાં દુકાદારોએ કારની આગ બૂઝાવી,ત્રણનો બચાવ
વડોદરાઃ શહેરમાં વધુ એક વાર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.જેમાં રેસકોર્સ વિસ્તારમાંથી પસાર થતી વરના કારમાં આગ લાગતાં ત્રણ જણાનો બચાવ થયો હતો.
છેલ્લા દસ દિવસના ગાળામાં જુદાજુદા સ્થળોએ કારમાં આગ લાગવાના અડધો ડઝન બનાવ બન્યા છે.જેમાં કારેલીબાગમાં દોઢ કરોડની લેન્ડરોવર,તરસાલીમાં જેગુઆર જેવી કારનો સમાવેશ થાય છે.
મોટાભાગની કારમાં આગ લાગવાના બનાવો શોર્ટસર્કિટને કારણે બન્યા હોવાનું મનાય છે.તેમ છતાં પોલીસ દ્વારા ફોરેન્સિક નિષ્ણાતોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
દરમિયાનમાં આજે રેસકોર્સના નટુભાઇ સર્કલ પાસે સુરતથી કાર લઇ આવેલા યુવકની સાથે અન્ય બે જણા બેઠા હતા ત્યારે ચાલુ કારમાં બળવાની વાસ આવતાં કાર ચાલકે સાઇડમાં કાર પાર્ક કરી હતી અને નીચે ઉતર્યો હતો.જે દરમિયાન આગળના વ્હીલ પાસેથી આગનો ભડકો દેખાતાં અન્ય બે જણા પણ નીચે ઉતરી ગયા હતા.
થોડી વારમાં એન્જિનનો આખો ભાગ આગમાં લપેટાતાં નજીકની દુકાનના વેપારીઓ અને તેમના કર્મચારીઓ ફાયરના સાધનો લઇ દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લઇ વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.બનાવને પગલે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ટ્રાફિક જામ થયો હતો.પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે.