કારે બાઇકને ટક્કર મારતાં નોકરીથી ઘેર જતા યુવાનનું મોત
વડોદરાના પાણીગેટ વિસ્તારના કારચાલક સામે ગુનો
વડોદરા, તા.1 વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની કાર આગળ જતી બાઇકને અથાડતા નોકરી પર જતાં યુવાનનું ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે આણંદ જિલ્લાના વહેરાખાડી ગામે દરબાર ફળિયામાં રહેતા વિક્રમસિંહ રાજનો નાનો ભાઇ ધર્મેન્દ્રસિંહ (ઉ.વ.૪૨) મંજુસર જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો. ગઇકાલે સવારે તે નોકરી પર ગયો હતો અને સાંજે ફરજ પર છૂટીને બાઇક પર ઘેર જવા માટે નીકળેલ ત્યારે અકસ્માત નડયો હતો.
મંજુસર જીઆઇડીસીમાં આવેલી પ્રયાસ એન્જિનિયરિંગ કંપનીની સામે રોડ પરથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટઝડપે આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારતાં ધર્મેન્દ્રસિંહ રોડ પર પટકાયો હતો અને ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માત કરનાર કારના ચાલક અકરમ મલંગશા દિવાન (રહે.જહુરસાનો ટેકરો, ગૌરવ સોસાયટીની બાજુમાં, પાણીગેટ) સામે મંજુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.