યુનિ.હેડ ઓફિસ ખાતે આવેલી કેન્ટીન એક વર્ષથી બંધ હાલતમાં
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેલી કેન્ટીન છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી બંધ હોવાના કારણે અહીંયા કામ કરતા કર્મચારીઓને પણ ચા નાસ્તો કરવાના ફાંફાં થઈ ગયા છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ૨૦૧૬માં કેન્દ્ર સરકારની ગ્રાંટમાંથી કેન્ટીનને નવેસરથી બનાવવામાં આવી હતી.આ માટે પાંચ લાખ રુપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ દ્વારા તેનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
આ કેન્ટીન કોરોનાકાળ સુધી તો બરાબર ચાલી હતી પણ કોરોના વખતેના લોકડાઉન અને એ પછી બે વર્ષ સુધી ચાલુ રહેલા પ્રતિબંધોના કારણે તેના સંચાલનમાં મુશ્કેલીઓ આવવા માંડી હતી.યુનિવર્સિટી હેડ ઓફિસના સૂત્રોના કહેવા પ્રમાણે આ કેન્ટીન ચલાવવાનુ પોસાતુ નહીં હોવાથી સંચાલકે ના પાડી દીધી હતી અને એ પછી બીજુ કોઈ કેન્ટીન ચલાવવા માટે તૈયાર થયુ નહોતુ.જોકે છેલ્લા કેટલાક વખતથી તો સત્તાધીશોએ ટેન્ડર મંગાવીને કેન્ટીન ચાલુ કરવાનો પ્રયત્ન પણ કર્યો હોય તેમ લાગતુ નથી.આમ આ કેન્ટીન હાલમાં ધૂળ ખાઈ રહી છે.
બીજી તરફ યુનિવર્સિટી હેડ ઓફિસમાં ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓને હવે ચા નાસ્તો કરવા માટે ફાંફા થઈ ગયા છે.મોટાભાગે આ કર્મચારીઓ અથવા કેટલાક સંજોગોમાં હેડ ઓફિસ ખાતે આવતા વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા હતા.યુનિવર્સિટી હેડ ઓફિસમાં યોજાતી બેઠકોમાં કેન્ટીનમાંથી ચા નાસ્તો મંગાવાતો હતો પણ હવે કર્મચારીઓને ચા નાસ્તો કરવો હોય તો નજીકની ફેકલ્ટીમાં આવેલી કેન્ટીનમાં કે બહાર જવુ પડે છે.