હોસ્ટેલના સ્ટુડન્ટસની કેન્ડલ માર્ચ, ગેંગરેપના આરોપીઓનું પૂતળું પોલીસે બાળવા ના દીધું
વડોદરાઃ વડોદરામાં નવરાત્રી પર્વ દરમિયાન ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.વડોદરામાં આ ઘટના બાદ બળાત્કારીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.વિવિધ વિસ્તારોમાં દેખાવો પણ થયા છે.
આજે દશેરાના દિવસે પોલોમેદાન ખાતે રાવણનું પૂતળા દહન થયું હતું ત્યારે બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ફતેગંજ વિસ્તારમાં બળાત્કારીઓના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો.
હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ આજે હોસ્ટેલ કેમ્પસથી ફતેગંજ વિસ્તાર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. હોસ્ટેલના વિદ્યાર્થી નેતા પાર્થ પંડયાના કહેવા પ્રમાણે આ માર્ચમાં સ્ટુડન્ટસ સ્વયંભૂ જોડાયા હતા.અમારી એક જ માગ છે કે, ગેંગ રેપના આરોપીઓને ફાંસી આપવામાં આવે.
સાથે સાથે વિદ્યાર્થીઓએ આજે આરોપીઓના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસે પૂતળું કબ્જે કરી લીધું હતું.પૂતળા માટે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ થઈ હતી.જોકે છેવટે પોલીસ પૂતળું આંચકી લેવામાં સફળ થઈ હતી.
બે દિવસ પહેલા પોલીસે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ગેંગરેપની ઘટનાના વિરોધમાં ગૃહ મંત્રીના પૂતળાના દહનનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો હતો.