લેખિત પરીક્ષા રદ નહીં કરાય તો પોલ ટેસ્ટ બાદ ફરી આંદોલન શરુ કરાશે
વડોદરાઃ ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કર્યા બાદ સત્તાધીશોએ ઉમેદવારોનો નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
બીજી તરફ પહેલાની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો નવેસરથી પોલ ટેસ્ટ આપવા માટે તો તૈયાર છે પણ લેખિત પરીક્ષા આપવાની તેમની તૈયારી નથી.ભરતી પ્રક્રિયા રદ કરવા સામે થયેલા આંદોલન દરમિયાન આ મુદ્દે જેટકો સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને સત્તાધીશોએ લેખિત પરીક્ષા નહીં લેવાના પ્રસ્તાવ પર વિચારણા કરવાની ખાતરી આપી હતી.
જોકે આ વાતને ૪૮ કલાક કરતા વધારે સમય થઈ ગયો છે પણ લેખિત પરીક્ષા રદ કરવાની હિલચાલ જેટકો સત્તાધીશોએ હજી સુધી કરી નથી ત્યારે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહનુ કહેવુ છે કે, આવતીકાલે, મંગળવારે ૫૦ જેટલા ઉમેદવારો ફરી જેટકો કચેરી ખાતે આવશે અને સત્તાધીશો સમક્ષ લેખિત પરીક્ષા નહીં લેવા માટે રજૂઆત કરશે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે જો સત્તાધીશો લેખિત પરીક્ષા રદ નહીં કરે તો તા.૨૮ અને ૨૯ ડિસેમ્બરે લેવાનારા પોલ ટેસ્ટ બાદ તરત જ જેટકો સામે ફરી એક વખત આંદોલન શરુ કરવામાં આવશે.કારણકે ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં લેખિત પરીક્ષા આપવા માટે તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, જેટકો દ્વારા નવેસરથી ભરતી પ્રક્રિયા કરવાના ભાગરુપે તા.૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ પોલ ટેસ્ટ અને તા.૭ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ છે.