પોલ ટેસ્ટ માટેના કોલ લેટરમાં સ્પષ્ટતા નહીં કરાઈ હોવાથી ઉમેદવારો મૂંઝવણમાં

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
પોલ ટેસ્ટ માટેના કોલ લેટરમાં સ્પષ્ટતા નહીં કરાઈ હોવાથી ઉમેદવારો મૂંઝવણમાં 1 - image

વડોદરાઃ જેટકો દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી  પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને ઉમેદવારોના નવેસરથી પોલ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે.

મળતી વિગતો પ્રમાણે તા.૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ઉમેદવારોનો પોલ ટેસ્ટ લેવામાં આવશે.આ માટેના કોલ લેટર પણ ઉમેદવારોને મોકલી દેવામાં આવ્યા છે.જોક કોલ લેટરમાં પોલ ટેસ્ટને લઈને સ્પષ્ટતાના અભાવે ઉમેદવારો ફરી મૂંઝવણમાં મુકાયા છે.

પોલ ટેસ્ટમાં ઉમેદવારે થાંભલા પર ચઢવાનુ હોય છે અને તેની ટોચના પરના એંગલને  સ્પર્શ કરીને પાછુ આવવાનુ હોય છે.આ માટેનો સમય ગણતરીમાં લેવાતો હોય છે.ભરતી પ્રક્રિયા રદ કરવા પાછળનુ કારણ અગાઉ લેવાયેલા પોલ ટેસ્ટમાં થયેલી ગેરરીતિઓ જ હતી.

કારણકે કેટલીક જગ્યાએ પોલ ટેસ્ટ લેતા સુપરવાઈઝરોએ ઉમેદવારોને થાંભલા પરના એંગલને હાથથી તો કેટલીક જગ્યાએ પગથી સ્પર્શ કરવા માટે સૂચના આપી હતી.જેટકોની પોતાની વિસંગતતાઓના કારણે અલગ અલગ ધારાધોરણ અમલમાં મુકાયા હોવાથી ઉમેદવારોને અન્યાય થવાની બૂમો ઉઠી હતી.

હવે જ્યારે નવેસરથી પોલ ટેસ્ટ લેવાનુ નક્કી થયુ છે ત્યારે પણ ઉમેદવારોના કોલ લેટરમાં સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ઉમેદવારે થાંભલાના એંગલને હાથથી સ્પર્શ કરવાનો છે કે પગથી...આમ આ સ્પષ્ટતાના અભાવે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે.એક અટકળ એવી છે કે, ઉમેદવારોને સ્થળ પર જ આ અંગેની સૂચના આપવામાં આવશે.બીજી તરફ જેટકોના સત્તાધીશોએ માત્ર પોલ ટેસ્ટ લેવાના અને લેખિત પરીક્ષા નહીં લેવાની  ફોર્મ્યુલા પર વિચારણા કરવાની ખાતરી આપી હતી અને તેના માટે ૪૮ કલાકનો સમય માંગ્યો હતો.જોકે ૪૮ કલાક થઈ ગયા પછી પણ હજી સુધી આ બાબતે જેટકોએ કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરી નથી.


Google NewsGoogle News