સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની શરુઆત

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News
સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની શરુઆત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી માટે પૂરજોશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે ઉમેદવારીપત્રો ભરવાનો આજથી પ્રારંભ થયો છે.

આજે પહેલા દિવસે એક ઉમેદવારી નોંધાઈ હતી.આજે સોશિયલ વર્ક ફેકલ્ટીની બેઠક માટે હાલના સેનેટ સભ્ય કપિલ જોષીએ ઉમેદવારી નોંધાવી હતી.જોકે પહેલા દિવસે આ સિવાય બીજા કોઈએ ફોર્મ ભર્યુ નહોતુ.આ કેટેગરીની ૧૪ બેઠકો માટે ફોર્મ ભરવાની છેલ્લા તારીખ ૨૭ નવેમ્બર છે.મોટાભાગના ઉમેદવારો છેલ્લા દિવસોમાં ફોર્મ ભરે તેવી શક્યતા છે.રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી ૧૯ ડિસેમ્બરે યોજાવાની છે.

દરમિયાન સેનેટની ટીચર્સ કેટેગરીની ચૂંટણી માટેની મતદાર યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ અને કોલેજોમાં થઈને આ ચૂંટણી માટે ૬૦૨ મતદારો નોંધાયા છે.ટીચર્સ કેટેગરીની ચૂંટણીમાં આસિસટન્ટ અને એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અધ્યાપકો મતદાન કરશે.આ કેટેગરી માટે ૧૮ બેઠકો છે.જેની ચૂંટણી ૨૯ ડિસેમ્બરે યોજાવાની છે.યુનિવર્સિટીની અધ્યાપક આલમ પર કયા જૂથનુ વર્ચસ્વ છે તે આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે.દરમિયાન ફેકલ્ટી પ્રમાણે જોવામાં આવે તો આ કેટેગરીમાં મેડિસિન ફેકલ્ટીમાં ૧૭૧, ટેકનોલોજીમાં ૧૩૨, કોમર્સમાં ૭૦ મતદારો નોંધાયા છે.જ્યારે લોમાં ૫ ,ફાઈન આર્ટસના ૧૭, પોલીટેકનિકના ૫૨, સાયન્સના ૫૦, પાદરા કોલેજના ૨૧, એજ્યુકેશન સાયકોલોજીના ૩૦ અને આર્ટસના ૩૦ અધ્યાપકોના નામ મતદાર યાદીમાં છે.સંસ્કૃત મહાવિદ્યાલના ચાર, ફાર્મસીના ૭ ,મેનેજમેન્ટા ૩, પરફોર્મિંગ આર્ટસના ૧૩, સોશિયલ વર્કના ૩ અને હોમસાયન્સના ૧૬ અધ્યાપકો મતદાન કરશે.


Google NewsGoogle News