કેનેરા બેંકના નકલી ગોલ્ડ લોન મેનેજરે લોકોના દાગીના પડાવી લીધા
ગોલ્ડ લોનનો ટાર્ગેટ પૂરો કરવા ટ્રાન્સપોર્ટર પાસેથી ૩૦ તોલા દાગીના લઇ ભેજાબાજ ફરાર ઃ કુલ ૧૦ લોકો ભોગ બન્યા
વડોદરા, તા.9 માંજલપુર ઇવા મોલ પાસે આવેલી કેનેરા બેંકમાં ગોલ્ડ મેનેજર તરીકે ઓળખાણ આપી એક ભેજાબાજ અનેક લોકો પાસેથી સોનું મેળવી ફરાર થઇ ગયો હતો. ભેજાબાજનો ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરે પોતાના ૩૦ તોલા દાગીના ગુમાવ્યા હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોત્રી વિસ્તારમાં ગંગોત્રી ચાર રસ્તા પાસે નવકાર ફ્લેટમાં રહેતા ચિરાગ ધીરજભાઇ બ્રહ્મભટ્ટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું મારા મિત્ર અનોપસિંહ જાડેજા અને જગદીશ વાળા મારફતે મારી વિશાલ જયંતિ ગજ્જર સાથે ઓળખાણ થઇ હતી. વિશાલે પોતે કેનેરા બેંકમાં ગોલ્ડ લોન મેનેજર તરીકે નોકરી કરું છું તેવી ઓળખાણ આપી હતી. તેના કહેવાથી મેં કેનેરા બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું અને જ્યારે હું બેંકમાં જઉં ત્યારે કાયમ મને મળતો અને પોતે મેનેજર હોય તેવી હેસિયતથી વાત કરતો હતો.
તા.૧૮ ઓક્ટોબરના રોજ તે ફોન કરી મને ઘેર મળવા માટે આવ્યો હતો અને બેંકમાં હાલ ગોલ્ડ લોનની સ્કીમ ચાલુ છે જેમાં મારે ટાર્ગેટ પૂરો થતો નથી, ટાર્ગેટ પૂરો કરવા માટે પાંચ દિવસ માટે ગોલ્ડ લોન પેટે મૂકવા તમારા દાગીના આપો તેને ગીરવી મૂકી ગોલ્ડલોન લઇ પૈસા ઉપાડી, પાછા ભરી અને દાગીના તમને પરત આપી દઇશ તેવી વાત કરી તે ઘેરથી જતો રહ્યો હતો. હું તેને એક વર્ષથી ઓળખતો હોવાથી તેની વાતમાં આવી જઇને મેં ઇવા મોલ પાસે જઇને ૩૦ તોલા સોનાના દાગીના તેને આપ્યા હતાં.
પાંચ દિવસ બાદ મારા દાગીના પરત લેવા માટે તેને ફોન કર્યો તો હું બે-ત્રણ દિવસ જયપુર આવ્યો છું, વડોદરા આવીને તમને દાગીના પરત આપું છું તેમ કહ્યું હતું. જો કે બાદમાં તેનો ફોન બંધ આવતા મેં બેંકમાં જઇને તપાસ કરી તો વિશાલ ગજ્જર બેંકનો કોઇ કર્મચારી નથી અને તેણે અનેક લોકો સાથે સોનાના દાગીના લઇને છેતરપિંડી કરી છે તેવી વિગત જાણવા મળી હતી. મારા તેમજ અન્ય ૧૦ જેટલી વ્યક્તિઓના પણ સોનાના દાગીના ગોલ્ડ લોનના નામે પડાવ્યા હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું.