ભારતીય વિદ્યાર્થી અને કામદારોના વિઝા પર કેનેડા કાપ મૂકી શકે છે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ભારતીય વિદ્યાર્થી અને કામદારોના વિઝા પર કેનેડા કાપ મૂકી શકે છે 1 - image

વડોદરાઃ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મુક્યા બાદ બંને દેશના સબંધોમાં કડવાશ આવી ગઈ છે.બંને દેશોએ એક બીજાના ડિપ્લોમેટ્સની હકાલપટ્ટી કરી છે.વેપાર સબંધો પર તેની અસર પડવાની શક્યતા છે અને હવે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ વણસી રહેલા સબંધોના કારણે ચિંતિત છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવા કેનેડા હાલમાં હોટ ફેવરિટ છે.ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જતા હોય છે અને તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનુ પ્રમાણ મોટુ છે.એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના હેડ અને વિદેશ નીતિના જાણકાર પ્રોફેસર અમિત ધોળકિયાનુ કહેવુ છે કે, અત્યારે ભારત અને કેનેડા વચ્ચે જે રીતે સબંધોમાં ખટાશ આવી છે તે જોતા ભારતને જવાબ આપવા માટે કેનેડાની સરકાર ભારતીયોને અપાતા વિઝા પર કાપ મુકી શકે છે.જેમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝા બંનેનો સમાવેશ થાય છે.ભૂતકાળમાં જ્યારે કોઈ બે દેશોના સબંધો ખરાબ થયા હોય  તો તેની અસર વિઝા પર પડી હોય તેવુ બની ચુકયુ છે.પ્રો.ધોળકિયાના મતે ભારત અને કેનેડાના સબંધો બગડશે તેવા ભણકારો તો છેલ્લા એક વર્ષથી વાગી રહ્યા હતા.ટ્રુડોને જી-૨૦માં પણ ભારતે વધારે મહત્વ આપ્યુ નહોતુ.બંને દેશો વચ્ચે અત્યારે જે સ્થિતિ છે તે મુખ્યત્વે ટ્રુડોના કારણે જ છે.તેમના નિવેદનના કારણે  કેનેડામાં સર્જાયેલા સામાજિક તણાવનો ત્યાં રહેતા ભારતીયો ભોગ બની શકે છે ઉપરાંત  કેનેડાના નાગરિક નથી અને ત્યાં રહે છે તેવા ભારતીયો માટે ટ્રુડોની સરકાર નકારાત્મક નીતિ અપનાવે તો નવાઈ નહી હોય.

પાંચ વર્ષમાં દસ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે ગયા

કેનેડાની સરકારના  ઈમિગ્રેશન, રેફ્યુજી તેમજ સિટિઝનશિપ વિભાગના આંકડા પ્રમાણે તો છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી ૧૦ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે.

૨૦૧૮માં ૧.૭૧ લાખ, ૨૦૧૮માં ૨.૧૮ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા.૨૦૨૦માં ૧.૭૯ લાખ તેમજ ૨૦૨૧માં ૨.૧૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા પહોંચ્યા હતા.૨૦૨૨માં આ આંકડો ૩.૧૯ લાખ પર પહોંચ્યો હતો.

કેનેડામાં ભણવા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધારે  સંખ્યા ભારતીયોની છે.જેમ કે ૨૦૨૨માં કેનેડામાં પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા અને તેમાં ૨.૨૬ લાખ તો ભારતીય વિદ્યાર્થીઓ હતા.

૨૦૨૩ના પહેલા હાફમાં પણ ૧.૭૫ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા માટેના સ્ટુડન્ટ વિઝા મળી ચુકયા છે.

ભારત-કેનેડા વચ્ચેનુ ટેન્શન લાંબા ગાળાનું નથી

પ્રો.ધોળકિયાનુ કહેવુ છે કે, ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમય માટે ટેન્શન નહીં રહે.આ ટુંકા ગાળાની સ્થિતિ છે.મુખ્યત્વે અત્યારે જે માહોલ છે તે સર્જવા માટે જસ્ટિન ટ્રુડો પોતે વધારે જવાબદાર છે.જો આગામી ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડોની હાર થશે તો ભારત અને કેનેડાના સબંધોની ગાડી ફરી પાટા પર ચઢતા વાર નહીં લાગે.અત્યારે જે પ્રકારનો માહોલ છે તે એકાદ વર્ષ સુધી રહે તેવુ લાગે છે.



Google NewsGoogle News