NGTના આદેશના ઉલ્લંઘન અંગે GPCB વડોદરા કોર્પોરેશનને 50 કરોડનો દંડ ફટકારી શકે છે?

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
NGTના આદેશના ઉલ્લંઘન અંગે GPCB વડોદરા કોર્પોરેશનને 50 કરોડનો દંડ ફટકારી શકે છે? 1 - image


- ભાજપની ભાંજગડના કારણે જુના STP માં ક્લોરીનેશન પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત અભરાઈ પર ચડાવી દેતા કોર્પોરેશનને આર્થિક ફટકો પડે તેવી શક્યતા

વડોદરા,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં નદીઓમાં છોડવામાં આવતા ડ્રેનેજના ગંદા પાણી રોકવા પ્રિ ક્લોરીનેશન પ્લાન્ટ બનાવવા રિંગ ફેન્સડ એકાઉન્ટમાં રૂ.2100 કરોડની રકમ અલગથી ફાળવવા અને સાથે સાથે ડ્રેનેજનું ગંદુ પાણી શુદ્ધ કરી નક્કી કરેલા નિયમો પ્રમાણે છોડવામાં આવે તે અંગે માર્ચ 2023માં હુકમ કર્યો હતો. તે બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શનમાં આવી ગુજરાતના મુખ્ય શહેરોમાં બનાવવામાં આવેલા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રિ ક્લોરીનેશન પ્લાન્ટ લગાવવા ફરજ પાડવામાં આવી છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ પ્લાન્ટમાં પ્રી-ક્લોરીનેશન પ્લાન્ટ લગાવવા દરખાસ્ત રજૂ કરી હતી. પરંતુ ભાજપની ભાજગડને કારણે આ દરખાસ્ત અભરાઈ પર ચડાવી દેવામાં આવતા આગામી દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરા કોર્પોરેશનને ઓછામાં ઓછી 50 કરોડની પેનલ્ટી કરી શકે તેવી શક્યતા રહેલી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સૂવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા જેમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે પાણી શુદ્ધ કરીને છોડવા અંગે પ્રિ ક્લોરીનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા  (1) રાજીવ નગર (2) સયાજી બાગ (3) છાણી જુનો પ્લાન્ટ (4) છાણી નવો પ્લાન્ટ (5) ભાયલી (6) વેમાલી અને (7) કપૂરાઈ નવો પ્લાન્ટ બનાવવામાં આવ્યા તેમાં અંદાજે રૂપિયા 8થી10 કરોડના ખર્ચે પ્રી-ક્લોરીનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે પાણી શુદ્ધ કરીને છોડવામાં આવી રહ્યું છે.

 પોલ્યુશન કંટ્રોલના ત્રણ વર્ષ પૂર્વેના જુના નિયમ પ્રમાણે 100 મિલી લીટર ગંદા પાણીમાં "ફિકલ કોલી ફોમ"(એક જાતનો બેક્ટેરિયા ) 1000 મોસ્ટ પોર્ટેબલ નંબર પ્રમાણે જરૂરી ટ્રીટમેન્ટ કરવાની હતી. ત્યારબાદ તાજેતરમાં આ નિયમોમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ગાઈડલાઈન પ્રમાણે ફેરફાર થતા નવા નિયમો પ્રમાણે "ફિકલ કોલી ફોમ" (એક જાતનો બેક્ટેરિયા) 100 મિલી લીટર ગંદા પાણીમાં માત્ર 230 મોસ્ટ પોર્ટેબલ નંબર પ્રમાણેની બેક્ટેરિયાની માત્રા હોવી જોઈએ. આ નિયમોને કારણે વડોદરા કોર્પોરેશન હસ્તકના બાકી રહેલા જુના ચારથી પાંચ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીનેશન પ્લાન્ટ બનાવવાની ફરજ પડી છે અને આ પ્લાન્ટ બનાવવામાં નહીં આવે તો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરા કોર્પોરેશનને રૂ.50 કરોડથી વધુ રકમની પેનલ્ટી કરી શકે તેમ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રી-ક્લોરીનેશન પ્લાન્ટ લગાવવાની તજવીજ હાથ ધરી છે. જેમાં (1) ગાજરવાડી (2) અટલાદરા જુનો (3) અટલાદરા નવો (4) તરસાલી (5) કપુરાઈ જુનો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નો સમાવેશ થાય છે.

એન.જી.ટી.ના હુકમને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં થી નીકળતા ડ્રેનેજના ગંદા પાણી શુદ્ધ કરીને નદીમાં છોડવા અંગે પ્રિ ક્લોરીનેશન પ્લાન્ટ લગાવવાનું ફરજિયાત બન્યું છે ત્યારે હવે જોવાનું રહે છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જુના પ્લાન્ટમાં ક્લોરીનેશન પ્લાન્ટ લગાવે છે કે કેમ જે અંગે તાજેતરમાં એક દરખાસ્ત આવી હતી. પરંતુ તેમાં ભાજપની ભાંજગડને કારણે દરખાસ્ત મુલતવી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તે દરખાસ્ત અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે તેમ જાણવા મળે છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરા કોર્પોરેશનને રૂ.50 કરોડની પેનલ્ટી કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે.


Google NewsGoogle News