સોશિલય વર્કમાં ૮૬માંથી ૭૨ વિદ્યાર્થીઓનુ કેમ્પસ પ્લેસમેન્ટ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ગણાતી અને દેશની ટોચની સોશિયલ વર્ક કોલેજોમાં સ્થાન પામતી સોશિયલ વર્ક ફેકલ્ટીએ કેમ્પસ પ્લેસમેન્ટમાં નવો રેકોર્ડ સર્જયો છે.
૨૦૨૧-૨૨ની બેચના માસ્ટર ઓફ સોશિયલ વર્ક તેમજ માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ૮૬ પૈકીના ૭૨ વિદ્યાર્થીઓનુ વિવિધ કંપનીઓમાં પ્લેસમેન્ટ થઈ ચુકયુ છે.
ફેકલ્ટીના ડીન પ્રો.ભાવના મહેતાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, મહત્તમ પેકેજ ૧૦ લાખ રુપિયા અને ઓછામાં ઓછુ ચાર લાખ રુપિયાનુ સેલેરી પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓને એવરેજ ૬.૫ લાખ રુપિયાનુ પગાર પેકેજ કંપનીઓએ ઓફર કર્યુ છે.લગભગ ૪૦ જેટલી ભારતીય તેમજ મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે કેમ્પસ ઈન્ટરવ્યૂ લેવા માટે આવી હતી.
વિદ્યાર્થીઓને કંપનીઓએ પોતાના સીએસઆર ફાઉન્ડેશન, એચઆર વિભાગમાં પ્રોજેકટ ઓફિસર, ટ્રેનિંગ ઓફિસર, આસિસટન્ટ મેનેજર જેવી વિવિધ પોસ્ટ પર નોકરી ઓફર કરી છે.
પ્રો.ભાવના મહેતાનુ કહેવુ છે કે, ૨૦૨૨-૨૩ની બેચના વિદ્યાર્થીઓના કેમ્પસ ઈન્ટરવ્યૂ અને પ્લેસમેન્ટ પણ અત્યારથી જ શરુ થઈ ગયા છે.