ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્લેસમેન્ટ, આઠ વિદ્યાર્થીઓને ૨૦-૨૦ લાખના પગાર પેકેજની ઓફર
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના કેમ્પસ ઈન્ટરવ્યુ હવે અંતિમ તબક્કામાં છે.આ વખતે વિદ્યાર્થીઓને સૌથી વધારે ૨૦ લાખ રુપિયાનુ પગાર પેકેજ ઓફર થયુ છે.
મળતી વિગતો પ્રમાણે ૨૦૨૩-૨૪ની બીઈની એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગની બેચના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ૩૬૭ જેટલા વિદ્યાર્થીઓને ૮૭ કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યૂ બાદ નોકરી ઓફર કરી ચુકી છે.ફેકલ્ટીના પ્લેસમેન્ટ સેલના ડાયરેકટર પ્રો.જે એન શાહ કહે છે કે, હજી બે મહિના સુધી કેમ્પસ ઈન્ટરવ્યૂ ચાલશે અને સરવાળે અંતિમ વર્ષના ૭૫ ટકા જેટલા વિદ્યાર્થીઓને કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ પ્લેસમેન્ટ મળે તેવી શક્યતા છે.અત્યારે ૬૭ ટકા વિદ્યાર્થીઓને નોકરી ઓફર થઈ ચૂકી છે.
તેમના કહેવા પ્રમાણે કેમિકલ એન્જિનિયરિંગના ૬, કોમ્પ્યુટર સાયન્સના એક અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ૧ એમ કુલ ૮ વિદ્યાર્થીઓને ૨૦-૨૦ લાખ રુપિયાના પગાર પેકેજ ઓફર કરવામાં આવ્યા છે.તમામ વિદ્યાર્થીઓનુ સરેરાશ પગાર પેકેજ ૫.૯ લાખ રુપિયા થવા જાય છે.દરેક વિભાગ પ્રમાણે સરેરાશ પેકેજની વાત કરવામાં આવે તો ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આ વખતે કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા છે.ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સરેરાશ ૭.૧ લાખ રુપિયાનુ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓને સરેરાશ ૬.૭ લાખ રુપિયાનુ પગાર પેકેજ મળ્યુ છે.
તેમનુ કહેવુ છે કે, ગત વર્ષે બીઈના ૮૦ ટકા જેટલા વિદ્યાર્થીઓનુ પ્લેસમેન્ટ થયુ હતુ પણ આ વખતે પ્લેસમેન્ટમાં ગત વર્ષ કરતા પાંચ થી દસ ટકાનો ઘટાડો થઈ શકે છે.આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પણ આ વર્ષે પ્લેસમેન્ટ ઓછુ છે.