ફાયર સેફ્ટીના મુદ્દે 150 બિલ્ડિંગોને સીલ કરવા અભિયાનઃ વધુ 3 કોમર્શિયલ બિલ્ડિંગના વીજ જોડાણ કટ
વડોદરાઃ ફાયર સેફ્ટી નહિં ધરાવતા ૧૫૦ થી વધુ કોમર્શિયલ બિલ્ડિંગો સામે ફાયર બ્રિગેડ દ્વારા ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.જેના ભાગરૃપે આજે વધુ ત્રણ ઇમારતના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.
હાઇકોર્ટ દ્વારા હોસ્પિટલો,શૈક્ષણિક સંસ્થાઓ,બહુમાળી ઇમારતો વગેરેમાં ફાયર સેફ્ટી માટે કડક વલણ અપનાવાતાં આવી ઇમારતો સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.જેના ભાગરૃપે ગયા મહિને ફાયર બ્રિગેડ દ્વારા ૮ ઇમારતોના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડે આવી બિલ્ડિંગોને નોટિસો આપી છે.જેમાંથી કેટલાકે ફાયરના સાધનો લગાવવાની કામગીરી શરૃ કરી છે.પરંતુ ઘણી ઇમારતોમાં હજી પણ કોઇ અસર જોવા મળી નથી.જેથી નોટિસને નહિં ગણકારનાર ઇમારતોના વીજ જોડાણ કાપવા માટે વીજ કંપનીની ટીમો સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
આજે ફાયર બ્રિગેડ દ્વારા સુભાનપુરા,ઇલોરાપાર્ક અને જેતલપુર વિસ્તારની વધુ ત્રણ ઇમારત સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઇમારતોનો વહીવટ કરતા આગેવાનોને વારંવાર નોટિસ મોકલવામાં આવી હતી અને આખરે તેમના વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.
કઇ કઇ ઇમારતોના વીજ કનેક્શન કપાયા
(૧) ચાણક્ય કોમ્પ્લેક્સ- હાઇટેન્શન રોડ,સુભાનપુરા(ગ્રાઉન્ડ + ૩)
(૨) વિધિ ગોલ્ડ- જેતલપુર રોડ (બેઝમેન્ટ + ગ્રાઉન્ડ + ૫)
(૩) રાજ એવન્યુ-ઇલોરાપાર્ક (બેઝમેન્ટ + ગ્રાઉન્ડ + ૩)