સમાધાન માટે બોલાવી ચાર આરોપીઓએ હુમલો કર્યો
આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી છૂટયા
વડોદરા,જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવી બેલ્ટ અને બ્લેડ વડે હુમલો કરી ચાર આરોપીઓ ભાગી ગયા હતા. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ કાન્હા લક્ઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થી દિક્ષીત મુકેશભાઇ જયસ્વાલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૯ મી એ હું મારા મિત્ર વંશ ઠક્કર, હેત શાહ સાથે બહાર ફરવા નીકળ્યો હતો. મારા મિત્ર વંશ ઠક્કર પર ક્રિશના વારંવાર ફોન આવતા હતા. વંશે ફોન રિસિવ કરતા ક્રિશે કોઇ ઝઘડાના સમાધાન માટે હોટલ મેરિલેન્ડ બોલાવ્યા હતા. જેથી, અમે ત્રણેય રાતે સાડા દશ વાગ્યે હોટલ મેરિલેન્ડની નીચે જય દ્વારકાધિશ પાનની પાસે પહોંચ્યા હતા. ત્યાં સઇમ શેખ, ક્રિશ, યાસર પટેલ અને જેનિલ માયાવંશી હાજર હતા. તેઓ અમને ગાળો બોલવા લાગ્યા હતા. સઇમ શેખ બેલ્ટ કાઢીને અમને મારવા લાગ્યો હતો. ચાર પૈકી એક આરોપીએ બ્લેડ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. દરમિયાન આજુબાજુના રહીશો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.