તારા છોકરાને બોલાવ નહીંતર તને મારીશું
ડભોઇ રોડ મહા નગર વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી
વડોદરા,ડભોઇ રોડ મહાનગર પાસે વુડાના મકાનમાં મકાનની બારીનો કાચ તૂટી જતા બે હુમલાખોરોએ નિર્દયી રીતે સ્થાનિક રહીશને ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતો ૨૧ વર્ષનો વરૃણ પાસી ડિલિવરી બોયનું કામ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સવા નવ વાગ્યે હું તથા મારો મિત્ર ક્રિષ્ના અશોકભાઇ વણજારા ( રહે. ભારતવાડી, ડભોઇ રોડ) મારા મકાન પાસે મસ્તી કરતા હતા. તે સમયે બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનની બારીનો કાચ મારો હાથ વાગવાથી તૂટી ગયો હતો. જેથી, સમીર શબ્બીરભાઇ કુરેશી તથા સલમાને આવીને ઝઘડો શરૃ કર્યો હતો. મેં તેઓને નવો કાચ નંખાવી આપવાનું તેમજ જ ેખર્ચ થશે તે આપી દેવાનું કહેવા છતાંય મને માર મારવા લાગ્યા હતા. જેથી, હું દોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ સમીર અને સલમાન ડંડો લઇને મારા બ્લોક નીચે પાર્ક કરેલી મારી બાઇક પાસે આવ્યા હતા. તેઓ મારી બાઇક પર ડંડા મારવા લાગ્યા હતા. તે દરમિયાન મારા પિતા આવી જતા તેઓએ બંનેને બાઇક પર ડંડા કેમ મારો છો ? તેવું કહેતા બંનેએ મારા પિતા સાથે ઝઘડો શરૃ કર્યો હતો કે, તારા છોકરાને બોલાવ નહીંતર તને મારીશું. જેથી, હું ત્યાં દોડી ગયો હતો. તેઓને માથાના ભાગે ડંડાના ત્રણથી ચાર ફટકા મારી દીધા હતા. મારા પિતા નીચે ઢળી પડયા હતા. ત્યારબાદ પણ સલમાન મારા પિતાને છાતી પર લાતો મારતો હતો. તેમે આવું જ કરશો તો તમને જાનથી મારી નાંખીશું. તે દરમિયાન મારી માતા તથા અન્ય લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા.