વડોદરાના કમાટી બાગમાં કેકટસ પાર્ક અને બોનસાઈ પાર્ક ખુલ્લો મુકાયો
- કેકટસ પાર્કમાં 143 વેરાઈટી તેમજ બોનસાઈ પાર્કમાં 31 બોનસાઈ પ્રદર્શિત કર્યા
વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના 145 માં સ્થાપના દિન નિમિત્તે કેકટસ પાર્ક અને બોનસાઈ પાર્કનું ઉદઘાટન કરવામાં આવેલું છે. કેકટસ પાર્ક કમાટી બાગમાં બેન્ડ સ્ટેન્ડ પાસે બનાવાયો છે, જ્યારે બોનસાઈ પાર્ક સફેદ બંગલા પાસે આવેલા પ્લોટમાં તૈયાર કરાયો છે.
કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા કેક્ટસ એન્ડ સકયુલેન્ટમાં કુલ 143 પ્રકારના અલગ અલગ જાતના કેક્ટસ એન્ડ સકયુલેન્ટ જેવા કે ગોલ્ડન બેરલ કેક્ટસ, પીનટ કેક્ટસ, મુન કેક્ટસ, બની ઇયર કેકટસ તેમજ એલોવેરા સેનસીવેરા જેવા સકયુલેન્ટ લગાવવામાં આવેલ છે. જ્યારે પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સફેદ બંગલો પાસે આવેલ પ્લોટમાં તૈયાર કરેલા બોનસાઈ પાર્કમાં અલગ અલગ 31 બોનસાઈ જેવા કે ફાઈકસ સ્પીસીસ, નીકોડીયાની વેરાયટી તેમજ અન્ય જાતના બોનસાઈ રાખવામાં આવેલા છે. વાંદરા અને પક્ષીઓથી બોનસાઈને નુકસાન થતું નથી તેવી ખાતરી મળ્યા બાદ હવે ફ્રુટ ફુલ બોનસાઈ પણ ડેવલપ કરવામાં આવશે. કમાટીબાગના માળીઓને બોનસાઈના ઉછેર માટે તાલીમ પણ અપાઈ હતી. ખાસ તો પાણી કેટલું આપવું, શું કાળજી રાખવી ,સૂર્યપ્રકાશ કેટલો આપવો વગેરે અંગે પણ માહિતગાર કરાયા હતા. બીજું કે બોનસાઈના ઉછેર માટે તેનું રેગ્યુલર કટીંગ કરવું ખૂબ જરૂરી છે. રેગ્યુલર કટીંગ કરવામાં આવે તો લાંબા ગાળે તે વૃક્ષની પ્રતિકૃતિ સમાન બને છે. બાગ ખૂબ મોટો છે અને તેની સરખામણીમાં બોનસાઈ ઓછા હોવાથી ધીમે ધીમે તેની સંખ્યા પણ વધારવામાં આવશે.