'સ્માર્ટ મીટરો લગાવી સરકાર અમારા મંગળસૂત્રો વેચી નાંખશે...', વડોદરામાં મહિલાઓ માર્ગો પર ઉતરી
Smart Meter Controvery in Vadodara : વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરો સામે લોકો હવે રસ્તા પર આવી ગયા છે. કાળઝાળ ગરમી હોવા છતા સ્માર્ટ મીટરોની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. શહેરના પ્રીયલક્ષ્મી મીલ વિસ્તારમાં આવેલા એલ.કે. નગરની મહિલાઓએ આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરીને કહ્યું હતું કે, 'જો મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટરો કાઢી નહીં જાય તો અમે જાતે મીટરો કાઢી નાંખીને વીજ કંપનીની કચેરીમાં ફેંકી આવીશું અને વીજ લાઈનો પર લંગર નાંખીને વીજ સપ્લાય મેળવીને કામ ચલાવીશું. અમને અમારા જૂના મીટરો પાછા જોઈએ છે.'
વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલાએ કહ્યું હતું કે, 'મેં ચાર દિવસ પહેલા 2000 રૂપિયાનુ રિચાર્જ કરાવ્યું હતું અને હવે ખાલી 700 રૂપિયા જ બેલેન્સ છે. ઘરમાં એક જ વ્યક્તિનો પગાર આવે છે તો બિલ ભરીશું કે ખાઈશું? મોદી સરકારને જો અમેરિકા જેવા સ્માર્ટ સિટી બનાવવા હોય તો અમેરિકાની જેમ ભણતર પણ મફતમાં આપે. મોદી સરકાર જો નવા મીટર નાંખવા માંગતી હોય તો કોથળા ભરીને પૈસા મૂકી જાય. ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો જ હટી જાય તેવી કામગીરી સરકાર કરી રહી છે. સ્માર્ટ મીટરો નાંખવાથી તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે.'
અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, 'સ્માર્ટ મીટર મૂકી ગયા છે પણ મને તો તેમાં કેટલુ બિલ આવે છે અને કેવી રીતે કામ કરે છે તે જ ખબર નથી પડતી. સ્માર્ટ મીટર બેસાડવા આવેલા લોકોએ અમને 20000 રૂપિયા દંડની અને પોલીસ કાર્યવાહી કરશે તેવી ધમકી આપી હતી.'
અન્ય એક મહિલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 'અમારે સ્માર્ટ નથી બનવુ. અમને સ્માર્ટ મીટર નથી જોઈતા. મોટી કંપનીઓમાં અને સોસાયટીઓમાં અને મોટા નેતાઓને ત્યાં મીટરો નાંખો.'