બાઇકમાં લીફ્ટ આપી ને ગઠિયો ચાલકનો સોનાનો દોરો ચોરી ગયો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
બાઇકમાં લીફ્ટ આપી ને ગઠિયો ચાલકનો સોનાનો દોરો ચોરી ગયો 1 - image


ધોળાકુવાના યુવાનને ધરમ કરતા ધાડ પડી...

ગેલેક્ષીથી લીફ્ટ આપી,ઘરે આવી જોયું તો ગળામાંથી ૫૦ હજારનો ચેઇન ગાયબઃઇન્ફોસિટી પોલીસની તપાસ

ગાંધીનગર : ધરમ કરતા ધાડ પડી...આપડામાં કહેવત છે તે ધોવાકુવાના બાઇકચાલક માટે સાચી પડી છે. આ બાઇકચાલક અમદાવાદથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે એક યુવાનને લીફ્ટ આપી હતી અને બાઇકમાં બેસાડયો હતો આ યુવાને ચાલકના ગળામાંથી સોનાનો દોરો સેરવી લીધો હતો જે અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરના ધોળાકુવામાં રહેતા અને દરજીકામ કરતા હિરારામ ગલબારામ મેઘવાલ ગુરુવારે સાંજના સમયે નરોડામાં રહેતી તેની બહેનના ઘરે બાઇક લઇને ગયા હતા. જ્યાં બીજા દિવસે રાતના સવા બાર વાગ્યાની આસપાસ તેઓ તેમના બહેનના ઘરેથી ધોળાકુવા પોતાના ઘરે આવવા નિકળ્યા હતા. રસ્તામાં ગેલેક્ષી પાસેથી એક યુવકે લીફ્ટ માંગતા તેમણે પોતાના બાઇક ઉપર આ યુવકને બેસોડયો હતો.રણાસણ સર્કલ સુધી આ યુવકને બાઇક પાછળ બેસાડયો હતો જ્યારે રણાસણ સર્કલથી આ અજાણ્યા યુવકને હિરારામે બાઇક ચલાવવા આપ્યું હતું. લીફ્ટ માંગીને બાઇકમાં બેસનાર આ અજાણ્યો યુવાન કોબા સર્કલ પાસે રાતના એક વાગ્યાના અરસામાં ઉતરી ગયો હતો અને હિરારામ પણ ઘરે જઇને સુઇ ગયા હતા. રવિવારે સવારે તેમણે જોતા તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન જોવા મળી ન હતી. જેથી જે અજાણ્યા યુવાનને લીફ્ટ આપી તે યુવાને જ સોનાની ચેઇન ચોરી લીધી હોવાની શંકા રાખીને હિરારામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ૫૦ હજારની સોનાની ચેઇન ચોરી અંગે ફિરયાદ નોંધાવી છે. 


Google NewsGoogle News