છાયાપુરી રેલવે સ્ટેશનથી મોડી રાતની સ્ટેશન સુધી બસ શરૃ
મોડી રાતે છાયાપુરી ઉતરતા મુસાફરોને રાહતઃ રિક્ષાચાલકો દ્વારા વિરોધ શરૃ
વડોદરા,વડોદરામાં નવા બનાવેલા છાયાપુરી રેલવે સ્ટેશને મોડી રાત્રે આવતી ટ્રેનોના મુસાફરોને વડોદરા સ્ટેશન સુધી આવવામાં સરળતા રહે તે માટે રાત્રિની વિશે, સિટિ બસો શરૃ કરવામાં આવી છે. જેના લીધે રાત્રિની ટ્રેનોમાં આવતા મુસાફરોને રાહત થઈ છે.
આ અંગે મળતી વિગતો મુજબ વડોદરામાં ચાલતી સિટિ બસ સર્વિસના સંચાલકો સમક્ષ સાંસદ સહિતના અગ્રણીઓએ છાયાપુરીથી રાત્રિ સિટિબસ શરૃ કરવા કહ્યું હતું, જેના પગલે ગઈકાલથી આ સર્વિસ ચાલુ કરાઈ છે. રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૪-૩૦ વાગ્યા સુધીમાં છાયાપુરી સ્ટેશને દિલ્હી બાજુથી પાંચથી વધુ ટ્રેન આવે છે. ટ્રેનના મુસાફરોને મોડી રાત્રે વડોદરા સ્ટેશન પર આવવા સરળતા રહે તેને ધ્યાનમાં રાખીને આ બસો ચાલુ કરાઈ છે.
જો કે આ બસ સેવા ચાલુ કરાતા રિક્ષાચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, અને બસો ચાલુ થવાથી ધંધાને અસર થઈ છે, તેવો મુદ્દો ઊઠાવીને આ અંગે વિરોધ ચાલુ રાખવા, સ્ટેન્ડની સુવિધા આપવા કલેકટરને આવેદનપત્ર સુપરત કરાશે, તેમ જણાવાયું છે.
મુસાફરોને છાયાપુરીથી સ્ટેશન સુધી આવવા બસ ભાડું ખૂબ સસ્તું પડે છે જ્યારે રિક્ષા ભાડું વધુ રહે છે, તેવી પ્રતિક્રિયા પણ આપી હતી. રિક્ષાચાલકો એવું કહે છે કે, છાયાપુરીથી સ્ટેશન આવવા જવા ૧૮ કિમીથી વધુ અંતર રહે છે, તેને ધ્યાનમાં રાખીને ભાડું લેવાય છે.