દાઝેલી વિદ્યાર્થિનીની હાલત ગંભીર, હાલ વેન્ટિલેટરના સપોર્ટ પર
શિક્ષકોએ અગાઉ આર્થિક મદદ કરવા ખાતરી આપી હતી, બાદમાં નનૈયો ભણતા પરિવારની હાલત કફોડી
ગોધરા-ગોધરાની એક પ્રાથમિક શાળામાં ધો-૮ની વિદ્યાર્થિની દાઝી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાયા પછી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. વિદ્યાર્થિની હાલ વેન્ટિલેટર પર છે અને તેની હાલત ખૂબ ગંભીર છે.
ગોધરાની એક પ્રાથમિક શાળામાં ધો-૮માં અભ્યાસ કરતી વિધાર્થિની થોડા દિવસો અગાઉ શાળામાં ગંભીર રીતે દાઝી જતા ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે શાળામાંથી વિદ્યાર્થિનીના કપડા અને શંકાસ્પદ પ્રવાહી ભરેલો કારબો પણ કબજે લઇ તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલી આપ્યા છે. આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળામાં ફરજ બજાવતી ત્રણ શિક્ષિકાઓ સામે પણ તપાસ શરૃ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના શિક્ષકોની શાળામાં હાજરી દરમિયાન બની હતી. વિધાર્થિની ગંભીર રીતે દાઝી જતા શાળાના જ શિક્ષકો દ્વારા તેને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે - તે સમયે વિધાર્થિનીની સારવારની જવાબદારી પરિવારના સભ્યો ની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાના શિક્ષકો ને સોંપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકો દ્વારા વિધાર્થિનીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. પરંતુ, હવે હોસ્પિટલનો ખર્ચ વધી જતા શિક્ષકોએ હાથ અધ્ધર કરી દીધા છે. તેમજ તેઓ વિધાર્થિનીના પરિવારજનોના ફોન પણ રિસિવ કરતા નહી હોવાનો પરીવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે દાઝી ગયેલી વિધાર્થિનીની સર્જરી કરવાની નોબત આવતા ગરીબ પરિવારજનો મૂંઝવણમાં મૂકાયા છે. વિદ્યાર્થિની છેલ્લા બે દિવસથી વેન્ટિલેટર ઉપર છે અને તેની હાલત ખૂબ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.