હરણી રોડ પર સ્પીડ બ્રેકર કૂદી જતા બૂલેટ ચાલક રોડ પર ફંગોળાઇને પડતા મોત
બાઇક લઇને નોકરી પર જતા ૬૫ વર્ષના સિનિયર સિટિઝનનું બાઇક સ્લિપ થઇ જતા મોત
વડોદરા,હરણી વિસ્તારમાં સ્પીડ બ્રેકર કૂદી જતા બૂલેટ ચાલક રોડ પર ફંગોળાતા તેને માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાદરા જી.ઇ.બી.પાછળ અમૃત વાટિકામાં રહેતા ૬૫ વર્ષના મૂળજીભાઇ ડાહ્યાભાઇ પટેલ ગઇકાલે બાઇક લઇને સાંજે નોકરી પર જવા માટે નીકળ્યા હતા. સાંજે સાત વાગ્યે ભાયલી સ્ટેશનથી ભાયલી ગામ જવાના ત્રણ રસ્તા પર બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે જે.પી.રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં દંતેશ્વર બંજરંગનગરમાં રહેતો ૨૪ વર્ષનો અમીરાજસિંહ કમલસિંહ માંગરોલા ગઇકાલે બૂલેટ લઇને દરજીપુરા એરફોર્સ બ્રિજ પાસે આવેલ હોટલમાં જમવા માટે ગયો હતો. ત્યાં તેનો કાકાનો દીકરો હેમરાજસિંહ પણ તેના મિત્રો સાથે જમવા માટે આવ્યો હતો. જમી પરવારીને તેઓ નીકળ્યા હતા. અમીરાજના માતા - પિતા ગોત્રી તેના મામાના ઘરે હોય તેઓને મળવા માટે નીકળ્યો હતો. તેની પાછળ હેમરાજ પણ નીકળ્યો હતો. હરણી પોલીસ સ્ટેશનની નજીક બૂલેટના શો રૃમ નજીક લોકોનું ટોળું હોય હેમરાજે પોતાની ગાડી ઉભી રાખી હતી. તેણે નજીક જઇને જોયું તો તેના કાકાનો દીકરો અમીરાજસિંહ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. સ્પીડ બ્રેકર પરથી બૂલેટ કૂદી જતા અમીરાજસિંહ રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું.