છેતરપિંડીના કેસમાં બિલ્ડર ખુલ્લેઆમ ફરી રહ્યો છે, પોલીસ કાર્યવાહી કરતી નથી

ઇકો સેલના પીઆઇ કહે છ ે કે, અગાઉના તપાસ અધિકારીએ નોટિસ આપી હોવાથી હું એરેસ્ટ ના કરી શકું

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
છેતરપિંડીના કેસમાં બિલ્ડર ખુલ્લેઆમ ફરી રહ્યો છે, પોલીસ કાર્યવાહી કરતી નથી 1 - image

વડોદરા,સ્ટાર રેસિડેન્સીના કેસમાં પોલીસ દ્વારા સવા વર્ષથી ખુલ્લેઆમ ફરતા બિલ્ડરને  પકડવામાં આવતા નહીં હોવાનો આક્ષેપ કરીને ફરિયાદીએ સીએમઓ હાઉસ તથા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

વાસણા રોડ પર લક્ષ બંગ્લોઝમાં રહેતા યોગેશચંદ્ર નવિનચંદ્ર ઠક્કરે ગત તા. ૩  જી જૂન ૨૦૨૨ ના રોજ જયેશ નટવરભાઇ પટેલ તથા રાકેશ કાંતિલાલ પટેલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.જેની વિગત  એવી હતી કે, ભાયલી ખાતેની સ્ટાર રેસિડેન્સીની સ્કીમમાં એક ફ્લેટ બુક કરાવી કુલ ૧૫ લાખ આપ્યા હતા. તેમછતાંય દસ્તાવેજ કરી આપ્યો નહતો. અને આ ફ્લેટ અન્યને વેચી દીધો હતો. આ કેસની તપાસ ગોત્રી  પોલીસ સ્ટેશન પછી ઇકો સેલને સોંપવામાં આવી હતી. સવા વર્ષ પછી પણ આ ગુનામાં કોઇ આરોપી નહીં પકડાતા ફરિયાદીએ પોલીસ કમિશનર તેમજ સીએમઓ હાઉસમાં ફરિયાદ કરી છે કે, મારી ફરિયાદમાં હજી સુધી કોઇ એક્શન લેવામાં આવતા નથી. અમે ઇકો સેલને તમામ દસ્તાવેજો આપી દીધા છે. છતાંય કોઇ એક્શન લેવાતા નથી. અને રાકેશ પટેલ ખુલ્લેઆમ ફરી રહ્યો છે.

 આ અંગે ઇકો સેલના પી.આઇ. હેતલબેન તુવરને  પૂછતા તેમણે જણાવ્યું છે કે, રાકેશ પટેલે હાઇકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા અરજી કરી છે. જે  હજી પેન્ડિંગ છે. પરંતુ, તેમણે એ વાતનો  પણ સ્વીકાર કર્યો હતો કે,  આ મેટરમાં કોઇ સ્ટે નથી. વધુમાં, તેમણે કહ્યું હતું કે, આ કેસમાં હું ચોથી તપાસ અધિકારી છું. આ કેસમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઇ છે. અગાઉના તપાસ અધિકારીએ આરોપીને નોટિસ આપી હતી.એક વખત નોટિસ અપાઇ જાય પછી કોઇ મજબૂત કારણ હોય તો જ એરેસ્ટ  કરી શકાય. હવે હું કરી જ ના શકું  એરેસ્ટ.


જયેશ પટેલ ઇકો સેલના પ્રયાસોથી જ પકડાયો છે

વડોદરા,જયેશ પટેલ પણ ઇકો સેલના પ્રયાસોથી જ પકડાયો છે. જયેશની પ્રથમ એલ.ઓ.સી. ઇકો સેલે જ ઓપન કરાવી હતી. તેનું માત્ર આધાર કાર્ડ જ  હતું. અમે  પાસપોર્ટની ડિટેલ મેળવી હતી. ગોત્રીની તપાસ પૂરી થાય ત્યારે અમે જયેશ પટેલને એરેસ્ટ કરીશું. ઉલ્લેખનીય છે કે, રેરાએ પણ રાકેશ પટેલને કસુરવાર ઠેરવ્યો હતો. 


Google NewsGoogle News