નિવૃત મહિલા શિક્ષકના મકાન પર બિલ્ડરે ગેરકાયદે કબજો જમાવ્યો : કોર્ટે હુકમ કર્યો છતાં મકાન ખાલી નહિ કરતા ફરિયાદ
વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર
નિવૃત મહિલા શિક્ષકે સંબંધમાં રહેવા માટે ફતેગંજમાં આવેલું પોતાનું મકાન બિલ્ડર તરીકેની ઓળખ આપનાર શખ્સે ગેરકાયદે કબજો કરી પચાવી પાડ્યું હતું. મકાનનો કબજો સોંપવા માટે કોર્ટે હુકમ કર્યો હોવા છતાં કોર્ટના હુકમનો પણ અનાદર કરીને બિલ્ડર મકાન ખાલી કરતો નથી. જેથી નિવૃત મહિલા શિક્ષકે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અકોટા વિસ્તારમાં ધનંજય સોસાયટીમાં રહેતા દેવીકાબેન આનંદશંકર દવે નિવૃત શિક્ષક જીવન ગુજારે છે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અમે ફતેગંજ વિસ્તારમાં રહેતા એસ એસ આનંદ પાસેથી વર્ષ 1991માં મકાન ખરીદ કર્યું હતું. આનંદ હાઉસ ફેઝ-3 નંબર ખરીદેલી મિલકતમાં વર્ષ 2000માં મારી બહેન રેખા બેન રમેશચન્દ્ર જાની રહેતા હતા. જેથી ગુરુવિંદરસિંગ જશપાલસિંગ તથા તેની પત્ની પ્રિયા ગુરુવિંદરસિંગની સાથે ઓળખાણ થઇ હતી ગુરુવિંદરસિંગ નાઓએ પોતાનો પરીચય બિલ્ડર તરીકેનો આપી જણાવ્યું હતું કે, અમારા બંગલાનુ બાંધકામ ચાલુ છે અમારા મકાન રહેવા માટે આપવા વિનંતી કરીહતી. જેથી અમે ગુરુવિંદરસિંગને વગર ભાડે તથા ભાડા કરાર કર્યા વગર રહેવા માટે આપ્યું હતું. વર્ષ 2022માં ગુરુવિંદર સિંગને અમારુ મકાન ખાલી કરવા જણાવતા તેઓએ અમારા બંગલાનુ બાંધકામ ચાલે છે થોડાક મહિનામાં અમારુ બંગલાનુ કામ પુરુ થઇ જાય એટલે તમારું મકાન ખાલી કરી દઈશુ. ત્યારબાદ ગુરુવિંદરસિંગ જશપાલસિંગને મકાન ખાલી કરી દઇ કબ્જો અમને પરત સોપવા જણાવવા તેમ છતા ગુરુવિંદરસિંગ જશપાલસિંગએ અમારી સાથે ગેરવર્તન કરી અને ફ્લેટનો કબ્જો સોંપતા ન હતા. જેથી મકાન પર ગેરકાયદે કબજો કરનાર સામે કોર્ટમાં કેસ કર્યો હતો. જેથી કોર્ટે અમારા મકાનનો કબ્જો 30 દિવસમાં સોપી દેવો અને કબ્જો અમોને સોપે ત્યા સુધીના સમયગાળા સુધીનુ માસીક રૂ.1000 લેખે ભાડુ ચુકવી દેવાનો હુકમ કરેલ હોવા છતા ગુરુવિંદરસિંગ જશપાલસિંગએ મકાનનો કબ્જો અમને સોપ્યો નથી અને ગેરકાયદે મકાન પચાવી પાડી છે. જેથી ફતેગંજ પોલીસ મકાન પચાવી પાડનાર સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.