જમીનના સોદાના ચેક આપી રૃ.2.69 કરોડની છેતરપિંડીના કેસમાં ચારભુજા ડેવલોપર્સનો બિલ્ડર પકડાયો
વડોદરાઃ સમા વિસ્તારની જમીનના સોદામાં બોગસ ચેકો આપી છેતરપિંડી કરનાર ચારભુજા ડેવલોપર્સના બિલ્ડર સામે પોલીસે છેતરપિંડીનો કેસ નોંધી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
નિઝામપુરાની રાજેન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન લેવેચનું કામ કરતા રાજેન્દ્રભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે,સમા વિસ્તારની જમીન બાબતે મૂળ ખેડૂતના ૨૨ વારસદારો સાથે વાતચીત કરી રૃ.૨૩.૫૦ કરોડમાં સોદો કર્યો હતો.ત્યારબાદ વચ્ચે રહેલા સમીર પટેલે આ જમીન ચારભુજા ડેવલોપર્સના બિલ્ડર વિપુલ ભીમાણીને પસંદ પડી હોવાની વાત કરતાં તેની સાથે રૃ.૨૬.૪૯ કરોડમાં સોદો નક્કી કર્યો હતો.
મેં ખેડૂતોને ચૂકવેલી રકમ અને જમીન ખરીદનાર બિલ્ડર સાથે થયેલી લેવડદેવડના હિસાબ બાદ બિલ્ડરે ત્રિપક્ષી કરાર કરી બાકી રહેલા રૃ.૧૦.૦૬ કરોડ પેટે મને પાંચ ચેક આપ્યા હતા.જેમાંથી રૃ ૨.૬૯ કરોડના બે ચેક બાઉન્સ થતાં તેના બદલામાં બરોડા ગ્રામિણ બેન્ક,છાણીના બે ચેક આપ્યા હતા.પરંતુ આ બેન્ક બંધ થઇ ગઇ હોવાથી તેના ચેક ચાલે તેમ નહતા.
બિલ્ડર પાસે વારંવાર માંગણી કરવા છતાં તેણે રકમ નહિં આપતાં આખરે પોલીસ ફરિયાદ કરી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આરડી સોલંકીએ ગુનો નોંધી વિપુલ મનસુખલાલ ભીમાણી(સુવર્ણ રેખા સોસાયટી,નિઝામપુરા)ની પૂછપરછ હાથ ધરી છે.