વડોદરાના બિલ્ડરે 99.50 લાખ રૂપિયા લઇ લીધા, અને ફ્લેટ પણ ન આપ્યો
બાનાખત કરીને આપેલા બે ફ્લેટના દસ્તાવેજ અન્ય વ્યક્તિઓને કરી આપ્યા હતા
વડોદરા: બે ફ્લેટ પેટે 99.50 લાખ લઇ ફ્લેટ કે રૂપિયા નહીંં આપી છેતરપિંડી કરતા વેમાલીના બિલ્ડર સામે ડીસીબી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ગોત્રી મધર્સ સ્કૂલ પાછળ નારાયણ હાઇટ્સમાં રહેતા લેન્ડ બ્રોકર પરિમલભાઇ નારાયણભાઇ સુથારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બિલ્ડર સુનિલ રાજેશભાઇ પંડિત સાથે વર્ષ - 2012માં ઓળખાણ થઇ હતી. સુનિલભાઇએ તેમની વેમાલી ગામની સીમમાં ચાલતી બાંધકામ સાઇટ પર રોકાણ કરવાથી સારૂ વળતર મળશે તેવું કહેતા મેં 10 લાખનું રોકાણ કર્યુ હતું.
ત્યારબાદ વર્ષ - 2017 માં તેમણે ફતેગંજ ઇએમઇ પાસે સાકાર નામની સાઇટ શરૂ કરી હતી. મેં વેમાલી ગામની સાઇટમાં રોકાણ કરેલા રૂપિયા પરત માંગતા તેમણે મને કહ્યું કે, તેમણે મને નવી સાઇટ પર ફ્લેટ લેવા કહ્યું હતું. હું સાઇટ જોવા ગયો હતો. મને ફ્લેટ પસંદ પડતા તેની કિંમત 58 લાખ જણાવી હતી. મેં વાતચીત પછી એક ફ્લેટની કિંમત 58 લાખ નક્કી કરી હતી. મેં પહેલા અને ચોથા માળે બે ફ્લેટ બુક કરાવ્યા હતા.મેં ટોકન પેટે 10 લાખ આપ્યા હતા. મેં કુલ 50 લાખ ચૂકવ્યા હતા. બંને ફ્લેટની અડધી કિંમત ચૂકવ્યા પછી મેં બિલ્ડરને બાનાખત કરી આપવા જણાવતા તેમણે મને રજીસ્ટર્ડ બાનાખત કરી આપ્યા હતા.
ત્યારબાદ મેં ટૂકડે - ટૂકડે રોકડા 49.50 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ તેઓને પઝેશન આપવાનું કહેતા તેઓ આપતા નહતા. મને શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મને બાનાખત કરી આપેલા ફ્લેટના દસ્તાવેજ તેઓએ અન્યને કરી આપ્યા હતા. ત્યારબાદ તેમણે મને પાંચમા માળે એક ફ્લેટ આપવાનું કહી બાનાખત કરી આપ્યું હતું. તેમજ 50 લાખના ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થયા હતા. તેઓ ફ્લેટ પણ આપતા નથી કે રૂપિયા પણ પરત કરતા નથી. ડીસીબી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી બિલ્ડર સુનિલ રાજેશભાઇ પંડિત ( રહે. સાકાર ઓપુલેન્ટ, પહેલા માળે, વેમાલી)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.