બિલ્ડર અપૂર્વ પટેલે વેપારી પાસેથી બે ફ્લેટની કિંમત લઇ અન્યને વેચી દીધા
નાસતા ફરતા બિલ્ડર સામે વધુ એક ગુનો : પોલીસ તેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી ક્યારે કરશે ?
વડોદરાસિદ્ધિ વિનાયક ડેવલપર્સના નાસતા ફરતા બિલ્ડર અપૂર્વ પટેલે ઓટો પાર્ટ્સના વેપારીને બે ફ્લેટ વેચી તેના પેટે ૫૬.૭૫ લાખ પૂરા લઇને તે ફ્લેટ અન્યને વેચાણ આપી દીધા હતા. જે અંગે વેપારીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલની બાજુમાં વૈશાલી સોસાયટીમાં રહેતા કીર્તિકુમાર કિરીટભાઇ શાહ ઓટો પાર્ટ્સનો ધંધો કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૬ માં મારે મકાન ખરીદવાનું હોવાથી વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે બાલાજી પાર્ટી પ્લોટની નજીક મેપલ એવન્યુ નામની નવી બંધાતી સ્કીમ પર ગયા હતા. સાઇટની ઓફિસમાં અપૂર્વ પટેલ મળ્યા હતા. પાંચમા માળે બે ફ્લેટની કિંમત ૫૬.૭૫ લાખ નક્કી કરી હતી. બંને ફ્લેટ પેટે રોકડા ૧૦.૫૦ લાખ ચૂકવ્યા હતા. તેમજ બેન્કમાંથી લોન કરી ૪૬.૨૫ લાખ ચૂકવી દીધા હતા. તેમછતાંય અપૂર્વ પટેલ મને દસ્તાવેજ કરી આપતા નહતા. મને શંકા જતા અકોટા સબ રજિસ્ટારની ઓફિસે જઇને ચેક કરતા જાણવા મળ્યું હતું કે, મેં બે ફ્લેટ પેટે રૃપિયા ચૂકવ્યા હતા. તે પૈકી એક ફ્લેટ તેણે કૃણાલ વિનોદભાઇ મોદી તથા બીજો ફ્લેટ યશકુમાર મોહનભાઇ કનોજીયાને વેચાણ આપી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, વેપારીએ ફ્લેટ પર બેન્કમાંથી લોન લઇને બિલ્ડરને વર્ષ - ૨૦૧૬ માં રૃપિયા ચૂકવ્યા હતા.તેમ છતાંય વર્ષ - ૨૦૧૮ માં ભેજાબાજ બિલ્ડર અપૂર્વ દ્વારા બંને ફ્લેટ અન્યને વેચાણ આપી દેવામાં આવ્યા હતા. અને હાલમાં તે ફ્લેટમાં વેચાણ દસ્તાવેજ કરાવી લેનાર પરિવાર સાથે રહે છે. બેન્કમાંથી લોન લીધી હોવાછતાંય તે ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કઇ રીતે થયો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બિલ્ડરે સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી છે.સી.આઇ.ડી.માં પણ તેની સામે ગુનો દાખલ થયો છે. વિદેશ ભાગી ગયેલા બિલ્ડરની મિલકત જપ્તીની કાર્યવાહી પોલીસ ક્યારે કરશે, તેની રાહ પૈસા ગુમાવનાર લોકો જોઇ રહ્યા છે.