Get The App

મધ્ય ગુજરાતના હજારો નાના ઉદ્યોગો માટે બજેટની જાહેરાતો આવકારદાયક

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
મધ્ય ગુજરાતના હજારો નાના ઉદ્યોગો માટે બજેટની જાહેરાતો આવકારદાયક 1 - image

વડોદરાઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યુ હતુ.બજેટમાં થયેલી જાહેરાતો બાદ ઔદ્યોગિક સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝના હોદ્દેદારોએ ઉદ્યોગો માટે અને ખાસ કરીને એમએસએમઈ એટલે કે નાના અને મધ્યમકદના ઉદ્યોગો માટે આ બજેટને ફાયદાકારક ગણાવ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતની ઈકોનોમીમાં એમએસએમઈનો મોટો ફાળો છે.મધ્ય ગુજરાતમાં જ ૨૮૦૦૦ જેટલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે.આ  ઉપરાંત પાંચ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવતા લઘુ ઉદ્યોગો તો અલગ.સરકારે મુદ્રા લોનની રકમ ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ કરી છે.સીડબી( સ્મોલ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા)ની પહોંચ વધારવા માટે આગામી ૩  વર્ષમાં નવી શાખાઓ ખુલવાની છે.એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમનો વ્યાપ વધશે.આ તમામ કાર્યવાહીથી એમએસએમઈ સેકટરને ફાયદો થવાનો છે.જોકે સકારની શોર્ટ ટમ કેપિટલ ગેઈન પરનો ટેકસ ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા તેમજ  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવાની જાહેરાતને લઈને શેરબજારમાં રોકાણ કરનારાઓમાં નારાજગી જોવા મળી છે.આ જાહેરાતના કારણે વડોદરાના લગભગ ૨ લાખ કરતા વધારે અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના પાંચ લાખ જેટલા રોકાણકારો પર તેની અસર જોવા મળશે.

બજેટને ૧૦માંથી ૮નું રેટિંગ 

આ બજેટને ૧૦માંથી ૮નુ રેટિંગ આપી શકાય તેમ છે.દેશના અર્થતંત્રને બજેટમાં થયેલી જાહેરાતોના કારણે લાંબા ગાળે ફાયદો થશે.એફજીઆઈના મોટાભાગના સભ્યો એમએસએમઈ ઈન્ડસ્ટ્રીઝ ચલાવે છે ત્યારે આ બજેટ તેમના માટે સારુ છે તેમ કહી શકાય.

તારક પટેલ,  એફજીઆઈ પ્રમુખ

વેપારીઓની વર્ષો જૂની માગણીઓ પૂરી નથી થઈ

મુદ્રા લોનની રકમ વધારવાથી, ઈ કોમર્સ ક્ષેત્ર માટે નવી પોલિસી બનાવવાની, પીપીપી મોેડેલથી ઈ કોમર્સનુ એક્સપોર્ટ વધારવાની અને એફડીઆઈના નિયમોમાં બદલવાની જાહેરાતથી નાના વેપારીઓને ફાયદો થશે.પણ વેપારીઓ માટે પેન્શન યોજના, જીએસટીના કાયદામાં સરળતાની માંગણીઓ સંતોષાઈ નથી.કુલ મળીને અમારી ૭૦ ટકા માગણીઓ સંતોષાઈ નથી.

પરેશ પરીખ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત પ્રમુખ

નાના ઉદ્યોગોને સરળતાથી લોન મળશે, મહિલા સાહસિકોની સંખ્યા વધશે

બજેટમાં થયેલી જાહેરાતોના પગલે નાના ઉદ્યોગોને સરળતાથી ધીરાણ મળશે તેવી આશા બંધાઈ છે.મહિલાઓ, યુવાઓ અને કૃષિ ક્ષેત્ર પર ભાર મૂકાયો છે.મહિલાઓને પણ મુદ્રા લોન હેઠળ ૨૦ લાખ રુપિયા સુધીની સહાય મળશે.જેના કારણે મહિલા સાહસિકોની સંખ્યા પણ આગામી વર્ષોમાં વધે તેમ લાગે છે.

હિમાંશુ પટેલ, વીસીસીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ 

વિદેશી રોકાણની પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત 

બજેટમાં જાહેરાત થઈ છે તે પ્રમાણે વિદેશી મૂડી રોકાણની પ્રક્રિયાને વધારે સરળ બનાવાશે તે બાબત આવકારદાયક છે.જેનાથી ઉદ્યોગોમાં થતુ રોકાણ વધશે.સ્ટાર્ટ અપ પરનો એન્જલ ટેકસ નાબૂદ કરવાની જાહેરાત પણ સ્ટાર્ટ અપને વેગ આપશે.સરકારે રોજગારી  વધારવા પર ધ્યાન આપ્યુ છે.એક કરોડ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ થકી મહિને ૫૦૦૦ રુપિયા આપવાની જાહેરાત કરી છે.

નિલેશ શુક્લા, ઈન્ડિયા એમએસએમઈ ફોરમ,ગુજરાત પ્રમુખ

સરકારના દાવા મુજબ ટેકસના નિયમો સરળ ના થયા

ટેકસના નિયમો સરળ કરાશે તેવુ સરકાર કહેતી હતી પણ આ બજેટમાં એવુ કશું દેખાયુ નથી.નોકરિયાતોની ટેકસમાં રાહતની અપેક્ષા પૂરી થઈ નથી.ઉલટાનુ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ વધારીને શેર બજારમાં રોકાણ કરનારાઓને નિરાશ કર્યા છે.ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા જે ઉપાડ કરવામાં આવે છે તેના પર ૧૦ ટકા ટીડીએસ લાગુ કરવાની જાહેરાત સમજમાં આવે તેવી નથી.કેટલીક જાહેરાતો એવી છે જેમાં એક હાથથી આપવાની અને બીજા હાથથી લઈ લેવાની નીતિ જોવા મળી રહી છે.

રાહુલ અગ્રવાલ, આઈસીએઆઈના વડોદરા ચેપ્ટરના પ્રમુખ 

સોનુ સસ્તુ કરીને સરકાર ગોર્લ્ડ રિઝર્વ વધારવા માંગે છે 

૧૧ લાખ કરોડ રુપિયા કેપિટલ એક્પેન્ડિચર માટે ફાળવવામાં આવ્યા છે.નવા ઈન્ફ્રાક્ટર પ્રોજેકટ હાથ ધરાશે.જેનો ફાયદો સ્વાભાવિક રીતે ઉદ્યોગોને મળવાનો છે.સોના પરની ડયુટી ઘટાડવા પાછળનો સરકારનો ઉદ્દેશ દેશનુ ગોલ્ડ રિઝર્વ વધારવાનો છે.જેનાથી લાંબા ગાળે રુપિયો મજબૂત થશે.ઉપરાંત મહિલાઓ તો સોનુ સસ્તુ થવાથી ખુશ થઈ હશે.સરકારની રુરલ સેકટર અને એગ્રિકલ્ચર સેકટર માટેની જાહેરાતોથી અર્થતંત્રને વેગ મળશે.

સંજીવ શાહ, એફજીઆઈ કમિટિ મેમ્બર

બજેટમાં ઘણી હકારાત્મક બાબતો, રોજગારી પણ વધશે

નાણાકીય ખાધ ૨૦૨૬ સુધીમાં ૪.૫ ટકા સુધી લઈ જવાની જાહેરાત કરવામા આવી છે.માળખાકીય સુવિધાઓ માટેે ૧૧.૧૧ લાખ કરોડના કેપિટલ એક્સપેન્ડિચરની જાહેરાત કરવામાં આવી છે.જેના કારર્ણે રોજગારીની  નવી તકો ઉભી થશે.ખેડૂતો, યુવા વર્ગ અને મહિલાઓને આ બજેટમાં પ્રાધાન્ય અપાયુ છે.જે ઉદ્યોગો નાણાકીય ખેંચ અનુભવે છે તેમને ક્રેડિટ સપોર્ટની જોગવાઈ કરવામાં આવી છે.ઈમ્પોર્ટ ડયુટમાં ઘટાડો, ઉદ્યોગોને રાહત,બેંકોના એનપીએમાં ઘટાડો જેવા મુદ્દા બજેટની હકારાત્મક બાબતો સૂચવે છે.

મનિષ બક્ષી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

બે જાહેરાતો સામાન્ય માણસની કમર તોડી નાંખશે 

લાંબા ગાળના મૂડી  નફાની ગણતરીમાંથી ઈન્ડેક્ષની પ્રથા કાઢી નાંખીને લોકોને પડતા પર પાટુ મારવામાં આવ્યુ છે.હવે જેટલુ જૂનુ મકાન લોકો વેચશે એટલો વધારે ટેકસ ભરવાનો આવશે.મોટુ મકાન વેચીને નાનુ મકાન લીધા બાદ બાકીની રકમના વ્યાજમાંથી કોઈ સિનિયર સિટિઝન બાકીનુ જીવન ગુજરવા માંગતો હોય તો તે શક્ય નહીં બને.ભાગીદારી પેઢીના ભાગીદારોના ઉપાડ પર ૧૦ ટકા ટીડીએસ લાગુ થશે.આ બંને સુધારા સામાન્ય માણસની કમર તોડી નાંખશે.

મુકેશ શર્મા, બરોડા ટેકસ બાર એસોસિએશનના સેક્રેટરી



Google NewsGoogle News