Get The App

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની કરપીણ હત્યા

તપન પરમાર બચવા માટે દોડયો તો આરોપીઓએ તેનો પીછો કરી ફરીથી હુમલો કરતા સ્થળ પર જ ઢળી પડયો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
ભાજપના  પૂર્વ કોર્પોરેટરના પુત્રની કરપીણ હત્યા 1 - image

વડોદરા,વડોદરાના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં રવિવારની  રાતે થયેલા ઝઘડાની અદાવત રાખી સયાજી હોસ્પિટલમાં મોડીરાતે એક વાગ્યે ખૂની ખેલ ખેલાયો હતો. સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે  તત્વોએ ભાજપના  પૂર્વ કોર્પોરેટરના  પુત્ર તપન પરમાર પર પોલીસની હાજરીમાં જ તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરી હતી. તપન પર માથાભારે તત્વોએ હુમલો કરતા તે  બચવા માટે  દોડયો  હતો પરંતુ,  આરોપીઓએ પીછો કરી ફરીથી તેના પર હુમલો કરી રહેસી નાંખ્યો હતો. 

રવિવારની રાતે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં  વિક્કી પરમાર નામના યુવક પર બાબર પઠાણે ચાકુથી હુમલો કરતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિક્કી  પરમારની ખબર જોવા માટે તેના મિત્રો મિતેશ રાજપૂત, ધારક રાણા તથા તપન પરમાર બાઇક લઇને સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ગયા હતા. અડધો કલાક સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા હતા. ત્યારબાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપને કહ્યું કે, ચાલ આપણે કેન્ટીનમાં ચા પીવા માટે જઇએ.જેથી, તપન અને મિતેશ બાઇક લઇને કેન્ટીનમાં ચા  પીવા માટે ગયા હતા.ચા પીધા  પછી રાતે એક વાગ્યે મિતેશ બાઇક  પર બેસીને બાઇક સ્ટાર્ટ કરવા જતો હતો. તે સમયે જ બાબર પઠાણ, એક મહિલા તથા અન્ય હુમલાખોરો દોડી આવ્યા હતા. બાબર પઠાણે અગાઉ વિક્કી  તથા ધર્મેશ સાથે થયેલી મારામારીની અદાવત રાખી હુમલો કર્યો હતો. બાબરે તપન પરમાર  પર ચાકૂ વડે હુમલો કરી ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. તેની સાથે આવેલા અન્ય હુમલાખોરો પણ તપન પર તૂટી પડયા હતા. મિતેશ બાઇક પરથી નીચે પડી ગયો હતો. જ્યારે તપન પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક સારવાર વિભાગ તરફ દોડયો હતો. હુમલાખોરોએ તેનો  પીછો કરી ફરીથી હુમલો કરતા તપન ત્યાં જ ઢળી પડયો હતો. દરમિયાન તપનના ફળિયાના લોકોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા.તેઓ તપનને તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર માટે લઇ આવ્યા હતા. પરંતુ, અત્યંત ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. રાવપુરા પોલીસે ઇજાગ્રસ્ત મિતેશની ફરિયાદના આધારે ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ઘટનાના પગલે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.



હત્યાના બનાવના ફરિયાદીએ કહ્યું...

બાબરને કઇ  રીતે ખબર પડી કે અમે કેન્ટીનમાં ગયા છીએ

પોલીસ બાબરને લઇને સયાજી  હોસ્પિટલમાં આવી હતી

વડોદરા,ફરિયાદી મિતેશ રાજપૂતે કહ્યું હતું કે, અમે લોકો અડધો કલાક સુધી તાત્કાલિક સારવાર વિભાગ પર ઉભા હતા. ત્યારે બાબર  પઠાણને પોલીસ લઇને આવી હતી. ત્યારબાદ હું અને તપન કેન્ટીનમાં ચા પીવા માટે ગયા હતા. તે વાતની જાણ બાબર અને તેના સાગરીતોને કઇ રીતે થઇ ? તે જ  ખબર પડતી નથી. 

સયાજી હોસ્પિટલમાં આવેલા તપનના ફળિયાના લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસની હાજરીમાં જ બાબર અને તેના સાગરીતોએ તપન પર હુમલો કર્યો હતો. તપન પર હુમલો કરવા માટે છરી તેની સાથેની મહિલાએ આપી  હતી.

.ટોળાએ કહ્યું કે, બાબરને અમને સોંપી દો...

પોલીસે બાબરને વાનમાં બેસાડી દઇ  સુરક્ષા પૂરી પાડી

પોલીસે આવી જ સતર્કતા પહેલેથી રાખો હોત તો તપનનો જીવ બચી જાત

 વડોદરા,મિતેશે કહ્યું હતું કે, આરોપીઓ અંધારામાં દોડી આવ્યા હતા.  અમે  કંઇ સમજીએ તે પહેલા જ આરોપીઓએ હુમલો કરી દીધો હતો. મિતેશ પણ બચવા માટે તેમજ ફળિયાના લોકોને બોલાવવા દોડી ગયો હતો. ફળિયાના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે  પોલીસ પણ આવી ગઇ હતી.  ટોળું એટલા બધા ગુસ્સામાં હતું કે, તેઓએ પોલીસને કહ્યું કે, બાબરને અમને સોંપી દો. પોલીસે બાબરને પકડીને વાનમાં બેસાડી દઇ સુરક્ષા પૂરી પાડી હતી. જો આવી જ તકેદારી રાખીને પોલીસે બાબર પર વોચ રાખી તેને ભાગીને મર્ડર કરવાનો મોકો આપ્યો ના હોત તો તપનનો જીવ બચી  જાત. પોલીસની આવી કામગીરી અનેક શંકા ઉપજાવી  રહી છે.



મર્ડર કર્યા  પછી બાબરની બૂમો કે, અબ બુલાઓ પુલીસવાલો કો

 વડોદરા,સયાજી હોસ્પિટલની કેન્ટીન નજીક બાબર અને તેના સાગરીતોએ તપન  પરમાર પર હુમલો કરી તેેેને રહેંસી નાંખ્યો હતો. આ ઘટના સ્થળે ફિટ કરેલા સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે. આ ઘટના અંગે એવી ચર્ચા ચાલી રહી છે કે, સ્થળ પર ત્રણ મહિલાઓ  હતી.  બાબર એવી બૂમો પાડતો હતો કે, અબ બુલાઓ પુલીસ વાલો કો. ત્યારબાદ પોલીસ દોડી આવી હતી અને સ્થળ પર હાજર એક પોલીસ જવાને બાબરના હાથમાંથી છરી છીનવી લીધી હતી.


Google NewsGoogle News