રાખડી બંધાવવા ભાઇ ઘેર ગયો તો બહેન ફાંસો ખાધેલી હાલતમાં મળી
મકરપુરા જીઆઇડીસીની કંપનીની રૃમમાં વૃધ્ધે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વડોદરા, તા.20 શહેરના આજવારોડ વિસ્તારમાં કિશનવાડીમાં બપોરે ભાઇ રક્ષાબંધન કરવા બહેનના ઘેર આવ્યો ત્યારે બહેન ગળા ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી હતી.
આ અંગેની વિગત એવી છે કે કિશનવાડીમાં ભાથુજીચોકમાં રેવાબેન ઉકાભાઇ વસાવા (ઉ.વ.૬૯) પૌત્ર અને તેની પત્ની સાથે રહેતા હતાં. આજે સવારે પૌત્ર અને તેની પત્ની બંને નોકરી પર ગયા હતાં. બપોરે રેવાબેન પાસે રાખડી બંધાવવા માટે તેમનો ભાઇ ઘેર આવ્યો હતો. ઘરમાં જોતાં જ ભાઇ ડઘાઇ ગયો હતો. વૃધ્ધ બહેને રસોડા અને બેડરૃમ વચ્ચેની દિવાલ પર લગાવેલા લોખંડના ખીલા સાથે ઓઢણીથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં બહેન મળી હતી. મૃત બહેનને જોતાં જ ભાઇ બૂમો પાડતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ અંગે બાપોદ પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રેવાબેન ઘોડીના ટેકે ચાલતા હતાં જો કે આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.
અન્ય બનાવમાં પાદરા તાલુકાના દુધવાડા ગામે સુંદર ખડકીમાં મૂળ રહેતા કિરીટભાઇ ઝવેરભાઇ પટેલ (ઉ.વ.૬૩) છેલ્લા ૧૦ વર્ષથી મકરપુરા જીઆઇડીસીમાં ટેમ્પા ચોકડી પાસે આવેલી વાળા ઇન્ડસ્ટ્રિઝમાં નોકરી કરી કંપનીની રૃમમાં જ રહેતા હતાં. આજે સવારે કંપનીનો શ્રમજીવી પક્ષીઓને દાણા નાંખવા ગયો ત્યારે કંપનીની ઓફિસની બાજૂની રૃમ બંધ હાલતમાં જણાઇ હતી. જેથી તપાસ હાથ ધરતાં અંદર કિરીટભાઇ પંખા પર ટેલિફોનના કેબલથી ફાંસો ખાધેલી હાલતમાં જણાયા હતાં. કિરીટભાઇએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે માંજલપુર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.