NRI ના બક્ષિસ લેખને આધારે બ્રોકરે 10 ફ્લેટ વેચી 1.18 કરોડની છેતરપિંડી કરી
Fraud Case in Vadodara : વડોદરામાં પ્રોપર્ટી ખરીદનાર એન.આર.આઈ બંધુ પાસે બક્ષિસ લેખ લખાવી 10 ફલેટો વેચી દઈ તેની રકમ વગર કરી દેનાર એસ્ટેટ બ્રોકર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ધર્મજ નજીક રણોલી ખાતે રહેતા મૂળ યુકેના જીતેન્દ્ર રાવજીભાઈ પટેલ નામના સિનિયર સિટીઝને પોલીસને કહ્યું છે કે, મેં તેમજ મારા ભાઈએ વડોદરામાં પ્રોપર્ટી ખરીદવાનું નક્કી કર્યું હતું. અમે વર્ષ 2011માં માંજલપુર વિસ્તારમાં ક્રિષ્ના એવન્યુ તેમજ ગોત્રીમાં સંકલ્પ ફ્લેટમાં જુદા-જુદા ફ્લેટ્સ ખરીદ્યા હતા.
થોડા સમય પહેલા અમોને તેજસ મહેન્દ્રભાઈ ભટ્ટ (પરમ પેરેડાઇઝ, રામેશ્વર વિદ્યાલય પાછળ, ગોત્રી રોડ) સાથે પરિચય થયો હતો. એસ્ટેટ બ્રોકર તેજસ ભટ્ટે આપ લેતો નો સારો ભાવ અપાવવાની ખાતરી આપી હતી. જેથી તેના પર વિશ્વાસ રાખી બક્ષિસ લખી આપ્યા હતા.
એસ્ટેટ બ્રોકરે અમારી સાથે સમજૂતી કરાર કરી સિક્યુરિટી પેટે ચેકો લખી આપી ગોત્રીના ચાર તેમજ માજલપુરના છ ફ્લેટ વેચી અમારી સાથે નક્કી કરેલા 1.18 કરોડ ફ્લેટ ધારકો પાસેથી મેળવી લઈ અમને હજી સુધી ચૂકવ્યા નથી. ક્રાઈમ બ્રાન્ચે એસ્ટેટ બ્રોકર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.