મધ્ય ગુજરાતમાં ભરૃચ અને છોટાઉદેપુરમાં સૌથી વધુ વોટિંગ
૨૦૧૯માં ગુજરાતમાં નોટાનો સૌથી વધુ ઉપયોગ છોટાઉદેપુરમાં થયો હતો
વડોદરા,મધ્ય ગુજરાતની લોકસભાની વડોદરા, ભરૃચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની પાંચ બેઠક પર આશરે ૬૩.૨૧ ટકા મતદાન થયું છે. કુલ ૯૨.૬૪ લાખ મતદારોમાંથી ૫૮.૭૮ લાભ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાતની ૨૬માંથી ૨૫ બેઠક પર મતદાન થયું હતું. આ વખતતે ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર ૭૨.૭૧ ટકા થયું છે. એ પછી ત્રીજા અને ચોથા નંબરે મધ્ય ગુજરાતની બે બેઠક છે. જેમાં ભરૃચમાં ૬૯.૧૬ ટકા અને ચોથા નંબરે છોટાઉદેપુરમાં ૬૯.૧૫ ટકા વોટિંગ થયું હતું. બીજા નંબરે બનાસકાંઠા બેઠક છે. જ્યાં ૬૯.૬૨ ટકા મતદાન થયું હતું.
વડોદરા કરતા પણ આદિવાસી મતદારો વધુ છે તેવા ભરૃચ અને છોટાઉદેપુર બેઠક વોટિંગમાં અગ્રસ્થાને પહોંચી ગઇ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં નોટાનો સૌથી વધુ ઉપયોગ છોટાઉદેપુરના મતદારોએ કર્યો હતો. નોટાને ૩૨૮૬૮ મત મળ્યા હતા. એ પછી દાહોદ અને પંચમહાલ હતા. આમ શિક્ષિત મતદારો કરતાં પણ આદિવાસી મતદારોએ નોટાનો ઉપયોગ કરવામાં વધુ જાગૃતિ દાખવી હતી. જો કે આ વખતે સમગ્ર ગુજરાતમાં અધર્સ (થર્ડ જેન્ડર) મતદારોના મતદાનમાં વડોદરા પ્રથમ છે. વડોદરામાં સૌથી વધુ ૬૨ એ મતદાન કર્યું છે. જ્યારે સૌથી ઓછા મત દાહોદ બેઠક પર માત્ર ૩ નોંધાયા છે.