દહેજના 10 લાખ રૃપિયા લઈને આવજો, નહીંતર તમારી દીકરીનું ખૂન કરીશું

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
દહેજના 10 લાખ રૃપિયા લઈને આવજો, નહીંતર તમારી દીકરીનું ખૂન કરીશું 1 - image


લગ્ન જીવનના સાત વર્ષ બાદ પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

ચિલોડા પંથકમાં રહેતી પરણીતાને બાળક નહીં થતા   શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા : પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં રહેતી અને ચિલોડા પંથકમાં પરણાવેલી યુવતીના પતિ સહિતના સાસરિયાંઓ દ્વારા દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને  હેરાન કરવામાં આવતા આખરે કંટાળીને ચિલોડા પોલીસ મથકમાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

છેલ્લા ઘણા સમયથી સમાજમાં દહેજને લઈ મહિલાઓ ઉપર અત્યાચારની ઘટના વધી રહી છે ત્યારે આવો જ કિસ્સો ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાંથી બહાર આવ્યો છે. મૂળ ગાંધીનગર નજીક આવેલા ગામની ૨૮ વર્ષની યુવતીના લગ્ન સાત વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ ચિલોડા પંથકના ગામમાં રહેતા યુવાન સાથે થયા હતા. શરૃઆતના દોઢ વર્ષમાં લગ્નજીવન સુખેથી ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ પતિ દ્વારા આ મહિલાને ત્રાસ આપવામાં આવતો હતો. અવારનવાર ઝઘડા કરીને માર મારતો તેમજ અપલખણી કહીને તું આવી ત્યારથી મારી જિંદગી બગડી ગઈ હોવાનું કહેતો હતો. એટલું જ નહીં સાસુ અને સસરા પણ દહેજ માટે ત્રાસ ગુજારતા હતા.

આ યુવતીને લગ્નજીવન બાદ બાળક નહીં થતા હેરાન કરવામાં આવતી હતી અને છૂટાછેડા આપી દે બીજા લગ્ન કરાવવાના છે તેમ કહી સાસુ સસરા પજવતા હતા. દરમિયાનમાં ગત માર્ચ મહિનામાં સાસરિયાંઓ દ્વારા તેણીને ઢોર મારવામાં આવ્યો હતો અને પતિએ છૂટાછેડાના કાગળમાં સહી કરી દે નહીંતર કેરોસીન નાખીને સળગાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી.

આ દરમિયાન આ મહિલાના પરિવારના સભ્યો આવ્યા ત્યારે તેના પતિએ કહ્યું હતું કે તમારી દીકરીને રાખવી હોય તો દસ લાખ રૃપિયા લઈને આવજો નહીંતર તેણીનું ખૂન કરી નાખીશું. આ પ્રકારની તકરારોથી કંટાળીને આખરે આ મહિલાએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસગોનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News