વડોદરા જિલ્લામાં મહી તેમજ ઢાઢર નદી પરનો બ્રિજ જોખમી
મહી નદી પરનો મુજપુર અને ઢાઢર નદી પર ગોજાલી ગામ પાસેના બ્રિજની હાલત એકદમ ખરાબ
વડોદરા, તા.7 વડોદરા જિલ્લામાં નર્મદા અને ઢાઢર નદી પરના વર્ષો જૂના બે બ્રિજોની હાલત ખખડધજ થઇ ગઇ છે તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પાદરા તાલુકામાં મુજપુર પાસે મહી નદીનો બ્રિજ ડિસેમ્બર-૧૯૮૬માં વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાયો હતો. આશરે ૩૬ વર્ષ જૂના બ્રિજ પરથી કોઇ વાહન પસાર થાય તો વાઇબ્રેશન થાય છે જેના પગલે ગમે ત્યારે બ્રિજ ધડામ થઇ જાય તેવો ભય છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિજના બે સપોર્ટને સ્પાનની લંબાઇના કારણે વાઇબ્રેશન થતું હોય છે જેના કારણે બ્રિજની દિવાલોને નુકસાન થઇ રહ્યું છે. અહિં સેન્સર્સથી કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ડભોઇ-ઢોલાર-વાઘોડિયારોડ પર ઢાઢર નદી પરનો બ્રિજ પણ જોખમી છે. ગોજાલી ગામ પાસે આવેલો આ બ્રિજ નવો જ બનાવવો પડે તેવી સ્થિતિ છે અને તે અંગે સરકારે રિપોર્ટ પણ કરી દેવાયો છે.