Get The App

દેશની પ્રથમ બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે દિલ્હી-ચેન્નઇ નેશનલ હાઇ વે ઉપરના બ્રિજની કામગીરી પૂર્ણ

સુરત બિલિમોરા ટ્રેકમાં નવસારી નજીકથી પસાર થતો આ હાઇવે ઉપરનો આ બ્રિજ બેલેંસ્ડ કેંટિલીવર મેથડથી તૈયાર કરાયો છે

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
દેશની પ્રથમ બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે  દિલ્હી-ચેન્નઇ નેશનલ હાઇ વે  ઉપરના બ્રિજની કામગીરી પૂર્ણ 1 - image

દિલ્હી -ચેન્નઇ નેશનલ હાઇ વે ઉપર નિર્માણ પામેલા બુલેટ ટ્રેનનો બ્રિજ તસવીરમાં નજરે પડે છે. 


વડોદરા : અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન ટ્રેકની કામગીરીએ હવે ગતિ પકડી છે.નવસારી નજીક નેશનલ  હાઇવે-૪૮ ઉપર બની રહેલા પુલની કામગીરી તા.૧ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવી છે. હાઇ વે ઉપર ટ્રાફિકને નડતરરૃપ ના બને તે રીતે આ કામગીરી કરવામાં આવી હતી તેમ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીએ કહ્યું હતું.

આ બ્રિજને મહત્વનો એટલા માટે ગણવામાં આવે છે કે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો એટલે કે પ્રથમ ટ્રાયલ સુરત અને બિલીમોરા વચ્ચે થવાનું છે અને નવસારી આ રૃટમાં મધ્યમાં આવે છે.નવસારી નજીક સિસોદરા ગામ પાસેથી પસાર થતાં દિલ્હી ચેન્નઇ નેશનલ હાઇવે ૪૮ ઉપરથી બુલેટ ટ્રેન ટ્રેક પસાર કરવાની કામગીરી પડકારજનક હતી કેમ કે ચાલુ ટ્રાફિકે આ કામગીરી કરવાની હતી. અલબત કેટલાક સમય માટે ટ્રાફિક રોકવામાં આવ્યો હતો તેમ છતા પડકારો વચ્ચે પણ ૨૧૦ મીટર લાંબા પીએસસી બોક્સ સેગમેન્ટ બ્રિજના નિર્માણની કામગીરી બેલેંસ્ડ કેંટિલીવર મેથડથી તા.૧ ઓક્ટોબરે સુરક્ષિત રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે. બ્રિજમાં ૪૬, ૬૫,૬૫ અને ૪૦ મીટર એમ ચાર સ્પાન અને ૭૨ સેગમેન્ટ છે. વર્ષ ૨૦૨૬માં એટલે કે બે વર્ષ પછી સુરત બિલિમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવાનું આયોજન છે ત્યારે આ બ્રિજનુ નિર્માણ મહત્વનુ છે.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે  દિલ્હી-ચેન્નઇ નેશનલ હાઇ વે  ઉપરના બ્રિજની કામગીરી પૂર્ણ 2 - image

બેલેંસ્ડ કેંટિલીવર પધ્ધતિ એવી છે કે જેમાં બ્રિજના બન્ને તરફના પિલરથી અગાઉથી તૈયાર કરેલા આરસીસીના બોક્સ પ્રકારના સેગમેન્ટને એક પછી એક લગાવવામાં આવે છે અને તે રીતે પુલનો વિસ્તાર કરવામાં આવે છે અને મધ્યમાં આવીને બન્ને ભાગ મળી જાય છે. 


Google NewsGoogle News