રેલવેના ગીરવતસિંહનો વીડિયો વાયરલ થયો હતો કારમાં ખાખી વર્દીમાં લાંચ માંગતો રેલવેનો એએસઆઇ સસ્પેન્ડ

મહેસાણાથી આવેલી વ્યક્તિઓ કરગરતી રહી અને ગીરવતસિંહ પૈસાની માંગણી સતત કરતો હતો

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
રેલવેના ગીરવતસિંહનો વીડિયો વાયરલ થયો હતો  કારમાં ખાખી વર્દીમાં લાંચ માંગતો રેલવેનો એએસઆઇ સસ્પેન્ડ 1 - image

વડોદરા, તા.28 વડોદરામાં ખાખી વર્દીમાં એક પોલીસ કર્મચારીનો કારમાં બેસીને લાંચની માંગણી કરતો વીડિયો વાયરલ થયો હતો. મહેસાણાથી આવેલી વ્યક્તિઓએ આ પોલીસ જવાનને પોતાની કારમાં બેસાડીને પકડાયેલા આરોપીને છોડાવવા માટે પૈસાની ઓફર કર્યા બાદ પોલીસે આટલી રકમ થોડી ચાલે તેવી વાત કરતો પોલીસ જવાન રેલવેનો હોવાનું સ્પષ્ટ થયા બાદ આ લાંચિયા એએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ખાખી વર્દીમાં આ પોલીસ જવાન એક કારમાં પાછળની સીટ પર બિન્ધાસ્ત બેઠો છે અને આગળની સીટ પર બેસેલ એક યુવાન તેમજ મહિલા ઝડપાયેલા આરોપીને છોડી દેવા માટે વીડિયોમાં કરગરતા જણાતા હતાં પરંતુ ખાખી વર્દીમાં પોલીસનો માણસ ટસથી મસ થતો નથી અને આ તો છોડવાના પૈસા છે તેમ કહી મીઠી ભાષામાં દમ મારતો હોય તેમ સ્પષ્ટ જણાતું હતું.

બિન્દાસ્ત રીતે પૈસા માંગતા શર્મ નહી આવતી હોય, કેસ થયા પછી પણ ચા પાણી તો આપવા જ પડે તેવા લખાણ સાથેનો આ વીડિયો પોલીસબેડામાં તેમજ લોકોમાં વાયરલ થયો હતો. ખાખી વર્દી પહેરેલો આ પોલીસ જવાન કોણ છે તે અંગે પોલીસબેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો  હતો. જો કે પ્રાથમિક તપાસમાં આ પોલીસ જવાન રેલવેમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે. 

રેલવેના એસપી દ્વારા આ સમગ્ર પ્રકરણમાં તપાસ સોંપવામાં આવી હતી જેમાં  કારમાં ખાખી વર્દીમાં બેસીને લાંચની વાત કરતો પોલીસનો માણસ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં છાયાપુરી ખાતે ફરજ બજાવતો એએસઆઇ ગીરવતસિંહ હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે જ રેલવેના એસપી સરોજકુમારીએ તાત્કાલિક પગલા લઇને ગીરવતસિંહને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે એએસઆઇ ગીરવતસિંહ અગાઉ રેલવેની ક્રાઇમ બ્રાંચના વહીવટદાર તરીકે પણ કામ કરતો હતો.




Google NewsGoogle News