Get The App

મેઇન લાઇનમાં જ ભંગાણ : સેક્ટર-1થી 13માં પાણીની સમસ્યા સર્જાઇ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
મેઇન લાઇનમાં જ ભંગાણ : સેક્ટર-1થી 13માં પાણીની સમસ્યા સર્જાઇ 1 - image


સરિતા હેડ વોટર વર્કસમાં ઓવરહેડ ટેંકની

તંત્ર સમારકામ માટે કામે લાગ્યું પરંતુ ઉંચી ટાંકીમાંથી નીચે આવતી એક જ લાઇન હોવાના કારણે ચાર-પાંચ દિવસ લાગવાની શક્યતા

ગાંધીનગર :  નવા સેક્ટરોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. આ વિસ્તારમાં જ્યાંથી પાણીનો સપ્લાય આપવામાં આવે છે, તે સરિતા હેડ વોટ વર્કસમાં ઓવર હેડ ટેંકની મેઇન લાઇનમાં ભંગાણ પડવાથી સ્થળ પર પાણીનો વેડફાટ થવાની સાથે સેક્ટર ૧થી ૧૩માં ઓછા દબાણથી પાણી મળશે. તંત્ર સમારકામ માટે કામે લાગ્યું છે. પરંતુ ઉંચી ટાંકીમાંથી નીચે આવતી એક જ લાઇન હોવાથી ચાર-પાંચ દિવસ લાગવાની શક્યતા રહેશે.

પાટનગરમાં પાઇપ લાઇન સહિત પાણી વિતરણનું નેટવર્ક દાયકાઓ પહેલાં ઉભું કરવામાં આવ્યુ હતું અને તેનું આયુસ્ય ક્યારનું પુર્ણ થઇ ચૂક્યુ છે. પાણી પુરવઠા વિભાગ અને પાટનગર યોજના વિભાગ દ્વારા આ નેટવર્કને થિગડા મારીને ચલાવાઇ રહયું છે. સમયાંતરે સરિતા વોટર વર્કસ અને ચરેડી વોટર વર્કસમાં કોઇને કોઇ ક્ષતિ, ખામી સર્જાતી રહે છે. આ ઓછુ હોય તેમ નભોઇ પમ્પિંગ સ્ટેશનમાં પણ ડખ્ખા ચાલતા રહે છે. પરંતુ પાણી પુરવઠા વિભાગે રાજ્યના પાટનગરના કિસ્સામાં પણ ક્યારેય ગંભીરતા દાખવી નહીં હોવાથી સરકારની આબરૃ ધોવાતી રહી છે. દરમિયાન સરિતા વોટર વર્કસમાં ઉંચી ટાંકીમાંથી નીચે ઉતરતી મેઇન લાઇનમાં ભંગાણ પડવાના કારણે તંત્ર દોડતું થઇ ગયુ હતું. અધિકારી સુત્રો મુજબ ભંગાણ શોધવા માટે ખાડો ખોદીને લીકેજનું લોકેશન શોધી લેવામાં આવ્યુ હતું અને સમારકામ શરૃ કરી દેવાયુ હતું. પરંતુ મેઇન લાઇન એક જ છે અને ઉંચી ટાંકીમાંથી નીચે ઉતરતી છે. પરિણામે સમારકામ થવામાં સમય પસાર થવાની શક્યતા છે.

ઓવરહેડ ટેંકમાંથી થતો ૩૦ લાખ લીટર પાણીનો સપ્લાય

અડધા ગાંધીનગર શહેરને સરિતા હોડ વોટર વર્કસ પરથી પાણી પુરવઠો આપવામાં આવે છે. તેના સંબંધમાં અહીં ૩૦ લાખ લીટર સંગ્રહ ક્ષમતાની ઓવરહેડ ટેંક બાંધવામાં આવેલી છે. આ ટાંકીમાં પાણી નભોઇ પમ્પિંગ સ્ટેશન પરથી આવતું નર્મદાનું પાણી ભરવામાં આવ્યા બાદ દરરોજ સવારે તેમાંથી છોડવામાં આવતાં સેક્ટર ૧થી ૧૩માં આવેલા દરેક ઘરે પાણી પહોંચે છે. તેના માટે ઉંચી ટાંકીમાંથી નીચે ઉતરતી મેઇન લાઇન ૭૫૦ એમએમ ડાયામીટરની તોસ્તાન મેઇન લાઇન નાંખવામાં આવેલી છે.

સમસ્યા નિવારવા માટે પ્રેસર પંપ દ્વારા પાણી સપ્લાય થશે

ઓવરહેડ ટેંકની નીચે ઉતરતી પાણી સપ્લાયની મેઇન લાઇન જ તૂટી જવાથી પાણી વિતરણ તંત્ર કામે લાગી ગયું છે. નવા સેક્ટરોમાં તેના કારણે પાણી પુરવઠો પ્રભાવિત થઇ ગયો છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં વધુ સમય પસાર થવાની સ્થિતિ આવે અથવા ઓછા પ્રેસરથી પાણીનું વિતરણ કરવામાં પણ મુશ્કેલીઓ ઉભી થાય તો તંત્ર દ્વારા પ્રેસર પંપ દ્વારા પાણીનો સપ્લાય આપવા માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ જો જરૃર પડશે, તો જ તેનો ઉપયોગ કરવામાં આવશે.


Google NewsGoogle News