આપઘાત કરનાર સાયન્સની વિદ્યાર્થિનીને દુષ્પ્રેરણા આપનાર બોયફ્રેન્ડ ઝડપાયો

બોયફ્રેન્ડ મેડિકલ સ્ટુડન્ટ : ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી ત્રાસ ગુજારતો હતો

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
આપઘાત કરનાર  સાયન્સની વિદ્યાર્થિનીને દુષ્પ્રેરણા આપનાર બોયફ્રેન્ડ ઝડપાયો 1 - image

વડોદરા,ભાયલીમાં સેન લુકાસ રેસિડેન્સી નામની સાઇટના ૧૨મા માળેથી મોતનો ભૂસકો મારી ૧૬ વર્ષની  સાયન્સની વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. તે કેસમાં પોલીસની તપાસ દરમિયાન વિદ્યાર્થિનીના બોયફ્રેન્ડે તેને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપી હોવાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાયલીમાં સેન લુકાસ રેસિડેન્સીના ટાવર નીચે મોડી રાત્રે એક અજાણી યુવતીની લાશ પડેલી છે તેની જાણ સિક્યુરિટી ગાર્ડ ભાવેશ કેસરભાઇ પરમારને થતાં તેણે પ્રથમ તેના માલિક અને બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ અને એમ્બ્યૂલન્સ ત્યાં આવી ગઇ હતી. એમ્બ્યૂલન્સના એટન્ડન્ટે  યુવતીને તપાસી તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. યુવતીની ઓળખ શરૃઆતમાં થઇ ન હતી. જેથી પોલીસે અજાણી યુવતીના મોત અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી  હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મરનારની ઉંમર ૧૬ વર્ષની છે.તે  ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસની સાથે ધો-૧૨ની તૈયારીઓ કરતી હતી.

સીસીટીવી કેમેરા ચેક કરતાં સેન લુકાસ રેસિડેન્સીમાં લિફ્ટમાં વિદ્યાર્થિની ઉપર જતી દેખાતી હતી. પોલીસે આજે એફએસએલની પણ મદદ લીધી હતી અને પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીએ લિફ્ટના ૧૨માં માળે ટેરેસ પર પહોંચ્યા બાદ તેણે ઉપરથી નીચે ઝંપલાવ્યું હોવાનું  જાણવા મળ્યું હતું. તેના માથામાં ગંભીર ઇજા તેમજ હાથ અને પણ તૂટી ગયા હતા.પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, તેનો બોયફ્રેન્ડ તેના પર શંકા કરી ત્રાસ ગુજારતો હતો. અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી,  પોલીસે આરોપી ધ્યેય સુભાષભાઇ સૂર્યવંશી( રહે. લક્ષ્મીપુરા, ગોત્રી) ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ધ્યેય મેડિકલનો સ્ટુડન્ટ છે.


Google NewsGoogle News