14 નિર્દોષોનો ભોગ લેનાર બોટને ફરી હરણી તળાવમાં ઉતારી,બાળકોના વજન જેટલા થેલા મુકી ટેસ્ટ કરતાં પાણી ભરાયું
વડોદરાઃ હરણી લેકઝોનમાં ૧૪ નિર્દોષોને ભરખી જનાર બોટને આજે ફરીથી હરણીના તળાવમાં ઉતારવામાં આવી ત્યારે એકત્રિત થયેલા લોકોમાં ગમગીની છવાઇ હતી.
હરણીના બોટકાંડના બનાવમાં તપાસ કરી રહેલા સિટના અધિકારીઓએ આજે બાળકોને ડૂબાડનાર બોટની ક્ષમતા માપવા માટે સાયન્ટિફિક બોએન્સી ટેસ્ટ કર્યો હતો.જે માટે બાળકોને ડૂબાડનાર બોટને જ તળાવમાં ઉતારવામાં આવી હતી.
આ વખતે બોટના ઓપરેટર ફાયર બ્રિગેડના તરવૈયા હતા.જ્યારે બોટની અંદર બાળકો અને શિક્ષકોને બદલે તેમના વજન જેટલા રેતીના થેલા ગોઠવવામાં આવ્યા હતા. આ વખતે તળાવ નજીક એકત્રિત થયેલા લોકોમાં શોકનું મોજું છવાયું હતું.
તો બીજીતરફ બોટ જ્યાં પલટી ગઇ હતી ત્યાં સુધી લઇ જવાઇ હતી અને ટર્ન લેતાં જ બોટ નમી હતી અને તેમાં પાણી ભરાયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.જો કે બોટ ની ક્ષમતાનો રિપોર્ટ હજી થોડા દિવસો બાદ રજૂ કરાનાર છે.
બોએન્સી ટેસ્ટ દરમિયાન ફોરેન્સિક અને ફાયર બ્રિગેડ હાજર,વીડિયોગ્રાફી કરી
બોએન્સી ટેસ્ટ દરમિયાન સિટના અધિકારીઓએ ફોરેન્સિક અને ફાયર બ્રિગેડની ટીમને હાજર રાખી હતી.આ ઉપરાંત બોટની કંપનીના સંચાલકને પણ હાજર રાખવામાં આવ્યા હતા.બોટ કેટલો લોડ લઇ શકે છે,પાણીમાં તેનો ઉછાળ કેટલો છે, ટર્ન લેતાં કેવી સ્થિતિ સર્જાય છે જેવી બાબતોની નોંધ લેવામાં આવી હતી.આ ટેસ્ટની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવી હતી.